બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ભારતીય ટીમ માટે ખૂબ જ ખાસ છે. આ સિરીઝનો સીધો સંબંધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ સાથે છે. આવી સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની આગામી બે ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે. ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મેલબોર્નની સડકો પર જોવા મળ્યો હતો.
મેલબોર્નના રસ્તાઓ પર વિરાટ-અનુષ્કાની લટાર
મહત્વપૂર્ણ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા મેલબોર્ન પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ સેશન પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી તેની પત્ની બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે મેલબોર્નના રસ્તાઓ પર લટાર મારતો જોવા મળ્યો હતો. કપલની આઉટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે ચાહકો અને દર્શકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.
વિરાટે અનુષ્કાને આપ્યો ખાસ શ્રેય
પર્થ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ અનુષ્કા શર્માની ખેલદિલીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, “અનુષ્કા હંમેશા મારી સાથે રહી છે, પછી ભલે ગમે તે સંજોગો હોય. તે જાણે છે કે પડદા પાછળ શું થાય છે અને તે મુશ્કેલ સમયમાં મારી મદદ કરે છે.” તેનું અહીં હોવું મારા માટે ખાસ. હું ટીમમાં યોગદાન આપવા માંગુ છું અને માત્ર મેદાન પર રહેવા માટે નથી રમવું.”
ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ફાઇનલ માટે ટીમ ઇન્ડિયાના સમીકરણ
ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-0થી હાર્યા બાદ ભારત WTC ટેબલમાં એક સ્થાન નીચે ગયું છે. પરંતુ પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર જીતે ફાઈનલની આશાઓ ફરી જીવંત કરી. જોકે, બીજી ટેસ્ટમાં 10 વિકેટથી હાર્યા બાદ ભારત ત્રીજા સ્થાને સરકી ગયું હતું. હવે ફાઇનલમાં પહોંચવા માટે ભારતે બાકીની બંને મેચ જીતવી પડશે, નહીં તો તેનું ભવિષ્ય અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેશે.


