યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં એક બારમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી ત્યારે જ એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરીને પોતાના પરિવારના અનેક લોકો સહિત કુલ 12 લોકોને ઠાર કર્યા હતાં. માર્યા ગયેલાં લોકોમાં હત્યારાના પરિવારના લોકો ઉપરાંત બારનો માલિક અને તેના બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર લોકો ઘવાયા હતાં.
આરોપી હુમલાખોરની ઓળખ 45 વર્ષના આકો માર્ટિનોવિક તરીકે થઈ છે જે હુમલો કર્યા બાદ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તરત જ ઘટનાસ્થળ પર ધસી જઈને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં જો કે પછી જાણ થઈ હતી કે આરોપી હુમલાખોરે તે પછી આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર માર્ટિનોવિક પોતાના પરિવાર અને મહેમાનો સાથે બારમાં આવ્યો હતો. બારમાં તેને કોઇની સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ તે ઘરે ગયો હતો અને ઘરેથી હથિયાર લઈને પાછો આવ્યો હતો તથા તે પછી સાંજે 5-30 કલાકે ગોળીબાર કર્યો હતો.
હત્યારો ઘરે જઈ હથિયાર લઈ આવ્યો હતો
અહેવાલો અનુસાર બારમાં પરત આવીને તેણે ફાયરિંગ કરી ચાર લોકોને ખતમ કર્યા હતાં જેમાં બારના માલિક અને તેના બે બાળકોનો સમાવેશ થાય છે. તે પછી તેણે બારમાં ત્રણ સ્થાન પર જઈને ફાયરિંગ કર્યું હતું જેમાં અન્ય લોકો માર્યા ગયાં હતાં. અહેવાલો અનુસાર આ ઝઘડા પાછળ કોઈ પારિવારિક વિખવાદ જવાબદાર હતો. જો કે આરોપી પણ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતો હતો.
મોન્ટેનેગ્રોના વડાપ્રધાને રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
આ હુમલા બાદ મોન્ટેનેગ્રોની સરકારે ગુરુવારથી ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. વડાપ્રધાન મિલોજ્કો સ્પાજિકે ગોળીબારની ઘટનાને ભયાનક ઘટના ગણાવી હતી. હુમલામાં ઘાયલ થયેલાં લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું હતું.


