ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25ની પાંચમી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ હતો, જે તેણે રમતના ત્રીજા દિવસ (5 જાન્યુઆરી)ના બીજા સત્રમાં હાંસલ કર્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 3-1થી કબજે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 9 વર્ષ બાદ ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યુ
આ સિરીઝ જીતવાની સાથે જ કાંગારુ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પણ એન્ટ્રી લીધી હતી. હવે WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. WTCના વર્તમાન ચક્રની ફાઇનલ આગામી વર્ષે 11-15 જૂન દરમિયાન ક્રિકેટ લોર્ડ્સના મક્કા ખાતે રમાશે. ભારતીય ટીમ સતત બે ફાઈનલ રમી હતી, જ્યાં તેને પહેલા ન્યુઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમનું ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાનો કબ્જો
સિડની ટેસ્ટમાં ભારતીય ટીમનો બીજો દાવ 157 રનમાં સમેટાઈ ગયો હતો. આ મેચમાં ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ પણ 181 રનમાં સમેટાઈ ગયો હતો. એટલે કે પ્રથમ દાવના આધારે ભારતને ચાર રનની લીડ મળી છે. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટ 184 રને જીતી હતી.


