ફ્રાન્સના ગેલ મોનફિલ્સે ઓકલેન્ડ ક્લાસિક ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતવાની સાથે ઇતિહાસ રચ્યો હતો. 38 વર્ષની વયે મોનફિલ્સ ઓલ્ડેસ્ટ એટીપી સિંગલ્સ ટાઇટલ જીતનાર ખેલાડી બન્યો છે.
મોનફિલ્સે ધમાકેદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં ઝિઝોયુ બર્ગ્સને સીધા સેટમાં 6-3, 6-4થી હરાવ્યો હતો. આ સાથે તેણે રોજર ફેડરરના ઓલ્ડેસ્ટ એટીપી ટૂર ચેમ્પિયન બનવાના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો. ફેડરરે 2019માં સ્વિસ ઇન્ડોર ટેનિસમાં આ સિદ્ધિ મેળવી હતી. મોનફિલ્સે કારકિર્દીમાં 13મું ટાઇટલ જીત્યું છે. 1990થી તે એટીપી ફાઇનલ્સ જીતનાર સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર પણ બન્યો છે. ચેમ્પિયન બનવાની સાથે મોનફિલ્સને 11 ક્રમાંકનો ફાયદો થયો છે અને તે મેન્સ સિંગલ્સમાં 41મા ક્રમે પહોંચી ગયો છે. રવિવારથી રમાનારા ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે પોતાના જ દેશના ફ્રેન્ચ ખેલાડી જિયોવાની મપેત્શી સામે પ્રથમ રાઉન્ડમાં ટકરાશે.


