ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી વચ્ચે, વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર તેમજ મધ્ય ભારતના કેટલાક ભાગોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે.
13 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે
તે જ સમયે, દેશના પૂર્વ ભાગમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં તાપમાન શૂન્યથી નીચે રહી શકે છે. IMDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. જ્યારે દિલ્હીમાં 13 જાન્યુઆરીએ કોલ્ડ ડેની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 13 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. સાથે જ આ રાજ્યોના લઘુત્તમ તાપમાનમાં પણ 2-3 સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે.
દિલ્હીમાં કોલ્ડ ડેની ચેતવણી
આગામી દિવસોમાં ઉત્તરાખંડનું તાપમાન 1થી 5 સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશની સાથે, ઉત્તર-પૂર્વ, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાન 6થી 12 સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. લઘુત્તમ તાપમાન 5 સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2થી 6 સેલ્સિયસનો ઘટાડો થયો છે. જ્યારે પૂર્વી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર – લદ્દાખ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં તાપમાનમાં 1થી 5 સેલ્સિયસનો વધારો થયો છે. દરમિયાન, દિલ્હીમાં કોલ્ડ ડેની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ રાજ્યોમાં પણ ઠંડી રહેવાની શક્યતા
12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. તે જ સમયે, 13 અને 14 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે, 13 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબ માટે કોલ્ડ ડેની ચેતવણી જાહેર કરવામાં આવી છે.