અલ ક્લાસિકો’ મુકાબલામાં બાર્સેલોનાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન રિયલ મેડ્રિડને 5-2થી હરાવીને 15મી વખત સ્પેનિશ સુપર કપ ફૂટબોલનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. મેચની નવમી મિનિટે કિલિયન મબાપેએ ગોલ કરીને રિયલ મેડ્રિડને 1-0થી આગળ કરી દીધું હતું.
લામિલ યમાલે 22મી મિનિટે શાનદાર ગોલ કરીને બાર્સેલોના માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. 35મી મિનિટે રિયલ મેડ્રિડે ભૂલ કરતાં બાર્સેલોનાને પેનલ્ટી મળી હતી અને 36મી મિનિટે રોબર્ટો લેવાન્ડોવસ્કીએ ગોલ કરીને ટીમને 2-1થી આગળ કરી દીધી હતી. રાફિનાએ 38મી મિનિટે વધુ એક ગોલ કરતાં બાર્સેલોનાનો સ્કોર 3-1નો થયો હતો. હાફ ટાઇમ પહેલાં મળેલા એક્સ્ટ્રા ટાઇમ (45 પ્લસ 10 મિનિટ)માં એલેઝાન્ડ્રો બાલ્દેએ વધુ એક ગોલ કરીને બાર્સેલોનાને 4-1ની લીડ અપાવી દીધી હતી. પ્રથમ હાફમાં જ રિયલ મેડ્રિડ પરાજય તરફ ધકેલાઇ ગયું હતું. બીજા હાફમાં વોજસ્કી સ્જેસ્ત્રીના એક ગોલ વડે મેડ્રિડની મુશ્કેલી વધી હતી અને સ્કોર 1-5નો થયો હતો. મેડ્રિડ માટે 60મી મિનિટે રોડ્રિગોએ વધુ એક ગોલ નોંધાવ્યો હતો અને સ્કોર 2-5નો થયો હતો પરંતુ તેનો પરાજય નિશ્ચિત થયો હતો.
બાર્સેલોના સ્પેનિશ સુપર કપમાં સર્વાધિક વખત ચેમ્પિયન બનેલી ટીમમાં ટોચના ક્રમે છે. તે 12 વખત રનર્સ-અપ પણ બની છે અને સર્વાધિક ફાઇનલ રમનાર ટીમોમાં (27 વખત) પણ મોખરાના સ્થાને છે. મેડ્રિડ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 20 વખત ફાઇનલ રમી છે અને સાત વખત તેનો પરાજય થયો હતો.


