ટાઇટલ માટેની ફેવરિટ ટીમોમાં સામેલ રિયલ મેડ્રિડે સેલ્ટા વિગોને એક્સ્ટ્રા ટાઇમમાં ત્રણ ગોલ કરીને હોમ ગ્રાઉન્ડ ઉપર 5-2થી હરાવીને કોપા ડેલ રે કપ ફૂટબોલની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કિલિયન મબાપેએ 37મી મિનિટે ગોલ કરીને ટીમ માટે ખાતું ખોલ્યું હતું. જોકે તેના આ ગોલ વખતે વિવાદ સર્જાયો હતો.
રેફરીએ વીએઆર સિસ્ટમનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રથમ હાફ પૂરો થાય તે પહેલાં 48મી મિનિટે વિનિસિયસ જુનિયરે ગોલ કરીને મેડ્રિડને 2-0થી આગળ કર્યું હતું. મેચના અંત ભાગમાં જોનાથાનાન બામ્બાએ 83મી તથા માર્કોસ એલોન્સોએ 91મી મિનિટે મળેલી પેનલ્ટીને ગોલમાં ફેરવીને સ્કોર 2-2થી સરભર કરવા ઉપરાંત રિયલ મેડ્રિડને બેકફૂટ ઉપર ધકેલી દીધી હતી. એક્સ્ટ્રા ટાઇમમાં એન્ડ્રિકે 108 અને 119મી મિનિટે તથા ફેડરિકો વાલ્વેર્ડેએ 112મી મિનિટે ગોલ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. અન્ય મેચમાં રિયલ સોસિદાદે રાયો વાલ્કેનોને 3-1થી તથા ઓસાસુનાએ એથ્લેટિક ક્લબને 3-2થી પરાજય આપ્યો હતો.


