ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન તથા ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરતના સંયુક્ત ઉપક્રમે પીડીપીયુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 19મી જાન્યુઆરીથી યુટીટી 86મી સિનિયર નેશનલ તથા ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાશે. ગુજરાત પ્રથમ વખત આ ઇવેન્ટ્સની યજમાની કરશે.
ભારતનો ત્રીજો ક્રમાંકિત તથા ડિફેન્ડિંગ ચેમ્પિયન સુરતનો હરમિત દેસાઇ મેન્સ સિંગલ્સમાં ફેવરિટ તરીકે શરૂઆત કરશે. ટૂર્નામેન્ટમાં કુલ 20 લાખ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે. સુરતના માનવ ઠક્કર અને વડોદરાના માનુષ શાહ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભારતના ટોચનો ક્રમાંકિત જી. સાથિયાન તથા અંકુર ભટ્ટાચાર્ય પણ દાવેદાર રહેશે. ટૂર્નામેન્ટમાં દેશભરના 800 પ્લસ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે જેમાં ઓલિમ્પિયન તથા ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લઇ ચૂકેલા અચંતા શરથ કમલ, શ્રીજા અકુલા, ભારતની ટોચની સ્વસ્તિકા ઘોષ, અહિકા મુખરજી તથા સુતિર્થા મુખરજીનો સમાવેશ થાય છે. યજમાન ગુજરાતના ચિત્રાક્ષ ભટ્ટ, જયનિલ મેહતા તથા જન્મેજય પટેલ, ક્રિત્વિકા સિંહા રોય, ફ્રેનાઝ છિપિયા તથા ફિલઝાહ ફાતીમા કાદરી પણ અપસેટ સર્જવા માટે આતુર રહેશે.


