પીડીપીયૂ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાતી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સુકાની ક્રિત્વિકા સિંહા રોયની શાનદાર રમતની મદદથી ગુજરાતની વિમેન્સ ટીમે હાયર રેન્ક ધરાવતી તામિલનાડુની ટીમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરવાની સાથે ઐતિહાસિક મેડલ નિશ્ચિત કર્યો હતો.
સિનિયર નેશનલ્સના 86 વર્ષના ઇતિહાસમાં ગુજરાતની વિમેન્સ ટેબલટેનિસ ટીમ પ્રથમ વખત મેડલ જીતશે. ગુજરાતની ટીમમાં ક્રિત્વિકા ઉપરાંત ફ્રેનાઝ છિપીયા, ઓઇશિકી જોઆરદાર, ફિલઝાહ ફાતિમા કાદરી તથા રિયા જયસ્વાલનો સમાવેશ થાય છે. ક્વાર્ટર ફાઇનલમાં ઓઇશિકીએ એસ સેલેનાને 3-2થી પરાજય આપ્યો હતો. ક્રિત્વિકાએ યાશિની સામે 3-1થી વિજય મેળવીને ગુજરાતને 2-0ની લીડ અપાવી હતી. ત્રીજી મેચમાં સુરતની ફ્રેનાઝ બે ગેમથી પાછળ હતી પરંતુ તેણે વળતો પ્રહાર કરીને કાવ્યશ્રી સામે સ્કોર 2-2થી સરભર કર્યો હતો. જોકે તે મેચ હારી જતાં તામિલનાડુએ સ્કોર 1-2નો કર્યો હતો. ક્રિત્વિકાએ બીજી મેચમાં સેલેના સામે 8-11, 11-8, 11-8, 11-8થી વિજય હાંસલ કરીને ગુજરાતનો 3-1થી વિજય નિશ્ચિત કર્યો હતો.


