ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહનો દબદબો યથાવત છે. બુમરાહ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં વિશ્વનો નંબર વન બોલર રહ્યો છે. રવિન્દ્ર જાડેજા પણ ઓલરાઉન્ડરોના લિસ્ટમાં ટોપ પર છે.
પાકિસ્તાનના બોલર નોમાન અલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં તેની ઉત્તમ બોલિંગ બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે અને તે ટોપના 10 બોલરોના લિસ્ટમાં સામેલ થયો છે. બુમરાહ પછી પેટ કમિન્સ બીજા નંબરે છે, જ્યારે ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડા છે.
બુમરાહ ટોપ પર યથાવત
જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બોલર બન્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જસ્સીએ 5 મેચમાં કુલ 32 વિકેટ લીધી. બુમરાહના કુલ રેટિંગ પોઈન્ટ 908 થઈ ગયા છે. બુમરાહ પછી, પેટ કમિન્સ 841 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે કાગીસો રબાડા 837 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
નોમાન અલી ટોપ 10 માં એન્ટ્રી
પાકિસ્તાનના બોલર નોમાન અલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં શાનદાર બોલિંગ બદલ ICC રેન્કિંગમાં પુરસ્કાર આપવામાં આવ્યો છે. મુલતાનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં, નોમાને પોતાના સ્પિનિંગ બોલથી ધૂમ મચાવી દીધી અને કુલ 6 વિકેટ લીધી. નોમાનને ટેસ્ટ ક્રિકેટમાં ટોપના 10 બોલરોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની બોલરના હવે કુલ 761 રેટિંગ પોઈન્ટ છે. નોમાને ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
રવિન્દ્ર જાડેજા ટોપ પર
ઓસ્ટ્રેલિયા સામે બેટ અને બોલ બંનેમાં સારું પ્રદર્શન ન કરવા છતાં રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બન્યો છે. લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં જડ્ડુના 400 રેટિંગ પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી માર્કો જેન્સન બીજા સ્થાને છે. મેહદી હસન 284 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.


