પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત પંજાબની વિધાનસભાએ પતંગ ઉડાવવા પર કાયમી માટે પ્રતિબંધ મૂકવા માટે એક નવો કાયદો પસાર કર્યો છે. પતંગ ઉડાવનારા અને પતંગ બનાવનારાઓ માટે પણ કડક સજા અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં હવે પતંગ ચગાવી તો થશે 20 લાખ (પાકિસ્તાની રૂપિયા) દંડ .આ પગલું ઉત્સવ પહેલા જ લેવામાં આવ્યું છે. જ્યારે કે પરંપરાગત રીતે પતંગ ઉડાડીને વસંતનું સ્વાગત કરવામાં આવતું હોય છે.
અકસ્માતોને ધ્યાનમાં રાખીને
પાકિસ્તાનના પંજાબમાં પતંગ ઉડાવવાથી થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લેવામાં આવ્યો છે. પતંગ ચગાવતી વખતે પતંગની દોરીથી ઘાયલ થવાની ઘટનાઓમાં બનતી હોય છે. જેમાં આંકડાઓમાં વધારો થતા નિર્ણય લેવામાં આવ્યો. 2005માં લાહોરમાં પતંગ ઉડાવતી વખતે 11 લોકો ઘાયલ થયા હતા ત્યારે તેના પર સૌપ્રથમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પંજાબ સરકારે ગત વર્ષે ઓગષ્ટમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે પ્રતિબંધની સાથે દંડ અને સજાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે.
નવા કાયદામાં કડક સજા અને દંડની જોગવાઈની વાત કરીએ તો
નવા કાયદા મુજબ, પતંગ ઉડાડવા બદલ 3 થી 5 વર્ષની જેલ અને 20 લાખ પાકિસ્તાની રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. પતંગ અને દોરી બનાવનારાઓ માટે સજા વધુ ગંભીર છે અને તેમાં 7 વર્ષ સુધીની કેદ અને 50 લાખ રૂપિયા સુધીના દંડનો સમાવેશ થાય છે. વસંત ઉત્સવ પર પંજાબમાં પતંગ ઉડાડવાની એક લોકપ્રિય પરંપરા રહી છે. લોકો પતંગ ઉડાડીને આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે, પરંતુ સલામતીના કારણોસર સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
દુર્ઘટના અટકાવવા નિર્ણય
પતંગ ઉડાવવતી વખતે પક્ષીઓના મોત થતા હોય છે. જાહેર રસ્તાઓ પર માણસો અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે દોરીઓ મોતની દોરી સાબિત થાય છે. લોકોના જીવ પણ તેટલા જ મહત્વના છે. પાકિસ્તાનમાં પતંગબાજી દરમ્યાન થતી દુર્ઘટના અટકાવવા નિર્ણય લેવામાં આવ્યો.
જાહેર પ્રતિભાવ મહત્વપૂર્ણ છે
પંજાબમાં પતંગ ઉડાવવા પર કાયમી પ્રતિબંધ લાદવાનો આ નિર્ણય સલામતી અને પરંપરા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ છે. એક તરફ આ કાયદો લોકોની સલામતીને પ્રાથમિકતા આપે છે, તો બીજી તરફ તે એક લોકપ્રિય સાંસ્કૃતિક પ્રવૃત્તિ પર અંકુશ મૂકે છે. આ કાયદાની અસર અને તેના અમલીકરણની રીત માટે જનતાનો પ્રતિભાવ મહત્વપૂર્ણ રહેશે.


