મોટાભાગની દરેક કંપનીઓમાં નિશ્ચિત સમયે બોનસ ચૂકવવામાં આવે છે. જેમ કે દિવાળીએ બોનસ આપવામાં આવે છે. સામાન્ય રીતે બોનસ ન હોય તો કોઇ ઉપયોગી વસ્તુઓ કર્મચારીઓને આપવામાં આવે છે. અથવા તો સેલરીમાં અમુક રકમ વધારે ચૂકવવામાં આવે. આવુ આપણે તો જાણીએ જ છીએ પરંતુ ચીનની એક કંપનીએ જે પ્રકારે બોનસ આપ્યુ તે દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
કંપનીના કર્મચારીઓ પર ચાર હાથ!
એક ચીની ફર્મ છે જે ક્રેન બનાવે છે. જેનુ નામ હેનાન માઇનિંગ છે. ક્રેન કંપની લિમિટેડે કર્મચારીઓને જે રીતે બોનસ આપ્યુ તે ચર્ચાનો મુદ્દો બન્યો છે. કંપનીએ એક ટેબલ પર 11 મિલિયન સિંગાપોર ડોલર એટલે કે 70 કરોડથી પણ વધારે રૂપિયા મૂકી દીધા. અને કર્મચારીઓને કહી દીધુ કે જેટલા ગણી શકો એટલા રૂપિયા બોનસ રૂપે લઇ જાઓ. છેને રસપ્રદ.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
રિપોર્ટ અનુસાર, હેનાન માઇનિંગ દ્વારા કર્મચારીઓને બોનસ આપવાની આ પદ્ધતિ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ક્રેન કંપનીએ લગભગ 70 મીટરના ગાળામાં ચીની કરેન્સી વિખેરી દીધી અને કર્મચારીઓને ટાઇમ લાઇન આપી દીધી કે તમારી પાસે 15 મિનિટ છે. આ સમયગાળામાં શક્ય તેટલા પૈસા લઈ જાઓ. આ માટે કંપનીએ 30-30 કર્મચારીઓની ટીમો બનાવી હતી અને તમામને વારા ફરથી તક આપવામાં આવી હતી.
25 જાન્યુઆરીએ આપ્યુ બોનસ
આ ખાસ બોનસ કંપની દ્વારા 25 જાન્યુઆરીના રોજ આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જ્યારે કોઈ કંપની બોનસ આપે ત્યારે કર્મચારીઓમાં અપાર ખુશી હોય. પરંતુ જ્યારે આ બોનસની કોઇ મર્યાદા જ ન હોય ત્યારે તો કહેવુ જ શું ? જ્યારે ટેબલ પર પૈસા ફેલાવીને બોનસ વહેંચવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે યુઝર્સ પોતપોતાની રીતે તેના પર ટિપ્પણી કરતા જોવા મળ્યા અને તેમાંથી મોટાભાગના લોકોએ બોસની પ્રશંસા કરી.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કર્મચારીઓ ટેબલ પર મૂકેલા પૈસાને એકત્રિત કરી રહ્યાછે. તો કોઇ હાથમાં નોટોનુ બંડલ લઇને ચાલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોતા જ લોકો તે કંપનીના માલિકના વખાણ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ કંપનીએ અગાઉ પણ કર્મચારીઓમાં કરોડો રૂપિયાના બોનસનું વિતરણ કર્યું હતું. હેનાન માઇનિંગ ક્રેન કંપનીએ 2023 માં 86 કરોડ રૂપિયા (સિંગાપોરના $14 મિલિયન) નું બોનસ આપ્યું હતું.


