ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન 5 ખેલાડીઓએ ટીમનું ટેન્શન વધારી દીધું છે. આ વખતે કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ પણ આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે નહીં. તેની પાછળ શું કારણ છે? જુઓ અમારા ખાસ અહેવાલમાં…
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના આ 5 ખેલાડીઓએ ટીમનું ટેન્શન ઘણું વધારી દીધું છે. કેપ્ટન પેટ કમિન્સ, મિશેલ માર્શ, ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ, કેમેરોન ગ્રીન અને માર્કસ સ્ટોઈનિસ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. માર્કસ સ્ટોઇનિસે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા.
ઓસ્ટ્રેલિયા કરી શકે છે આ 5 મોટા ફેરફાર!
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બાકાત રાખવામાં આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયા સાથે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઘાયલ થયા હતા. જેના કારણે આ બંને ખેલાડીઓ શ્રીલંકા સાથે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ નથી. કમિન્સ પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે, જ્યારે હેઝલવુડ હજુ સુધી પગની ઘૂંટીની ઈજામાંથી બહાર આવ્યો નથી. હવે જોવાનું એ રહે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે આ પાંચ ખેલાડીઓની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ટીમમાં કોને તક મળે છે?
ઓસ્ટ્રેલિયા ટીમ પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ જણાવ્યું હતું કે કમનસીબે પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ માર્શ ઇજાઓથી પીડાઈ રહ્યા છે અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે સમયસર પહોંચી શકશે નહીં. “જ્યારે આ નિરાશાજનક છે, તે અન્ય ખેલાડીઓને વિશ્વ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયા માટે સારું પ્રદર્શન કરવાની એક શ્રેષ્ઠ તક પૂરી પાડશે.
માર્કસ સ્ટોઈનિસના રાજીનામાથી ઓસ્ટ્રેલિયાને ફટકો
બીજી તરફ, ચેમ્પિયન્સ ટ્રોફીના 13 દિવસ પહેલા, માર્કસ સ્ટોઇનિસે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા. સ્ટોઇનિસે કહ્યું કે તે ટી20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને આ તેના માટે યોગ્ય સમય છે. સ્ટોઇનિસે ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાન સામે પોતાની છેલ્લી વનડે રમી હતી.


