ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ સિરીઝની બીજી મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વાપસી કરી રહ્યો છે. આ મેચમાં તેની પાસે ઘણા મોટા રેકોર્ડ બનાવવાની તક હશે. આ સમય દરમિયાન તે એક ખાસ લિસ્ટનો ભાગ બની શકે છે.
વિરાટ કોહલી હાંસિલ કરશે આ સિદ્ધિ
વિરાટ કોહલી હવે ODI ક્રિકેટમાં 14,000 રન બનાવવાથી ૯૪ રન દૂર છે. જો તે ઈંગ્લેન્ડ સામેની બીજી મેચમાં 94 રન બનાવી લે છે, તો તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા પછી વનડે ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર ત્રીજો બેટ્સમેન બનશે.
આ સિવાય વિરાટ કોહલી પાસે બીજો એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. સચિન તેંડુલકરના નામે ઈંગ્લેન્ડ સામે તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. કોહલીના નામે 3979 રન છે અને તેને તેંડુલકરના 3990 રનના રેકોર્ડને તોડવા માટે 12 રનની જરૂર છે.
સચિનના આ રેકોર્ડની બરાબરી કરી શકે છે?
જો કોહલી કટકમાં સદી ફટકારે છે, તો તે ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારવાના સચિનના રેકોર્ડની પણ બરાબરી કરશે. સચિન 9 સદી સાથે આ લિસ્ટમાં ટોપ પર છે, જ્યારે કોહલી 8 સદી સાથે બીજા ક્રમે છે. વધુમાં, જો કોહલી 50 રન બનાવે છે, તો તે ઈંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે તેંડુલકરને પણ પાછળ છોડી દેશે.
ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.


