કેથલિક ચર્ચના વડા અને ઇસાઇ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે ઈમિગ્રાન્ટ્સને મોટાપાયે ડિપોર્ટ કરવાના મુદ્દે મંગળવારે ટ્રમ્પ સરકારની ટીકા કરી હતી અને ચેતવણી ઉચ્ચારી હતી કે તેનું પરિણામ ખરાબ આવશે.
તેમણે જણાવ્યું હતું કે ફક્ત તેમની ગેરકાયદે સ્થિતિના કારણે જ તેમને બળજબરી પુર્વક ડિપોર્ટ કરવા ઈમિગ્રાન્ટ્સને તેમની ઇનહેરન્ટ ડિગ્નીટીથી વંચિત કરે છે. પોપ આ મુદ્દે કેટલા ગંભીર છે તે બાબતનો ખ્યાલ એ બાબત પરથી આવે છે કે તેમણે અમેરિકાના બિશપોને ડિપોર્ટના સંદર્ભમાં એક પત્ર લખ્યો છે. ઈતિહાસના પ્રથમ લેટિન અમેરિકન પોપે લાંબા સમયથી ઈમિગ્રાન્ટ્સની દેખબાળને પોતાની ધર્મપીઠની પ્રાથમિકતા બનાવી રાખી છે અને વિશ્વના તમામ દેશો સમક્ષ માંગ કરી છે કે દેશ સંઘર્ષ, ગરીબી તથા ક્લાઇમેટ ચેન્જની સમસ્યાથી ભાગી રહેલાં લોકોનું સ્વાગત કરે અને તેમની રક્ષા કરે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યાના ફક્ત ચાર દિવસની અંદર જ આ દેશે સૈન્ય વિમાનોનો ઉપયોગ કરતાં ગેરકાયદે રહેતાં લોકોને માટે ડિપોર્ટેશન ફ્લાઇટ્સ શરૂં કરી દીધી છે. ઉલ્લેખનિય છે કે ટ્રમ્પે પોતાના ચૂંટણી વાયદામાં મુકેલા મુખ્ય મુદ્દામાં ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલાં લોકોને સામુહિક રીતે ડિપોર્ટ કરવાનો મુદ્દો પણ છે. ટ્રમ્પે એક આદેશ પર સહી કરી હતી જેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં કોઇપણ દસ્તાવેજ વગરના ઈમિગ્રાન્ટ્સથી પેદા થયેલાં બાળકોને જન્મથી નાગરિક બનવાનો અધિકાર નહીં મળે. ત્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે ડિપોર્ટેશન પ્રોસેસ ખુબ સારી રીતે ચાલી રહી છે. અમે ખરાબ, ખુંખાર અપરાધીઓને બહાર કાઢી રહ્યા છીએ. તેઓ હત્યારા છે.


