પાકિસ્તાનના શાહિન શાહ આફ્રિદી, સઉદ શકીલ તથા કામરાન ગુલામને કરાચી ખાતે સાઉથ આફ્રિકા સામેની ત્રિકોણીય શ્રોણીની મેચમાં આઇસીસી આચારસંહિતાના લેવલ-1નું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
શાહિનને મેચ ફીના 25 ટકા તથા સઉદ અને કામરાનને મેચ ફીના 10 ટકાની રકમનો દંડ કરાયો છે. આઇસીસીની આચારસંહિતાના નિયમ 2.12 ના ઉલ્લંઘન હેઠળ તમામ ખેલાડીઓ દોષિત જાહેર થયા છે. સાઉથ આફ્રિકાની ઇનિંગની 28મી ઓવરમાં શાહિન જાણીજોઈને બેટ્સમેન મેથ્યૂ બ્રિટ્ઝકેને રનિંગ વખતે અથડાયો હતો. બંને વચ્ચે અયોગ્ય રીતે શારીરિક સંપર્ક થયો હતો અને બંને બોલાચાલીમાં ઉતર્યા હતા. આ ત્રણેય પાકિસ્તાની ખેલાડીઓને દંડ ફટકારવા ઉપરાંત તેમના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. ત્રણેય ખેલાડીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો જેના કારણે કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર પડી નહોતી. ફિલ્ડ અમ્પાયર આસિફ યાકુબ તથા માઇકલ ગોફ, થર્ડ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ અને ફોર્થ અમ્પાયર ફેઝલ આફ્રિદીએ મેચરેફરી સામે આ ઘટનાની ફરિયાદ કરીને રિપોર્ટ સુપરત કર્યો હતો. ત્રણેય ખેલાડીઓ આગામી 24 મહિનામાં વધુ એક વખત ડિમેરિટ પોઇન્ટનો સામનો કરશે તો તેઓ એક મેચ માટે સસ્પેન્ડ થઈ શકે છે.


