રશિયા-યૂક્રેન યુદ્ધ બાબતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રસ લેવાનું શરૂ કરી દીધું છે.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટ્રમ્પની વાતચીત બાદ યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ચિંતા સતાવવા લાગી છે કે યુદ્ધના આટલા વર્ષ વેઠયા બાદ હવે કંઇક ખોટું થવાનું છે. તેમણે પુતિન પર યૂક્રેન યુદ્ધમાં પોતાને વિજેતા દેખાડવાનો ખોટો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે અને માગ કરી છે કે ટ્રમ્પે તેમના વિશેષ દૂત કીથ કેલોગને તરત યૂક્રેન મોકલવા જોઇએ, જેથી તેઓ વાસ્તવિક હકીકત જોવે. ઝેલેન્સ્કીએ પુતિનને યૂક્રેન યુદ્ધના સમાધાન અંગે તેમની રણનીતિઓ બાબતે ગંભીર ચેતવણી આપી છે. ઝેલેન્સ્કીએ મ્યૂનિક સુરક્ષા સંમેલન દરમિયાન કહ્યું કે પુતિન ટ્રમ્પ સાથે વાતચીતમાં પોતાને વિજેતા તરીકે રજૂ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જેથી યૂક્રેનને આ વાતચીતમાંથી બહાર કરી દેવામાં આવે. પુતિનની એવી વ્યૂહરચના છે કે યૂક્રેનને વાતચીતમાંથી બહાર કરી તેઓ અમેરિકા સાથે સીધી દ્વિપક્ષી વાટાઘાટો કરે. તેઓ રશિયાને અમેરિકાને સમકક્ષ વૈશ્વિક મહાસત્તા તરીકે રજૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એવું બતાવવા માગે છે કે રશિયા પણ સુપર પાવર છે અને અમેરિકા જેટલો જ શક્તિશાળી દેશ છે. ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે ટ્રમ્પને રશિયાના વિજય દિવસની પરેડમાં ભાગ લેવા પ્રેરિત કરવાની પણ પુતિનની યોજના છે. 9 મેના રોજ યોજાતી આ પરેડ નાઝી જર્મનીને હરાવવામાં રશિયાની ભૂમિકા પ્રદર્શિત કરે છે. ઝેલેન્સ્કીએ ઉમેર્યું હતું કે ટ્રમ્પે યુરોપના દેશોને વાતચીતમાં સામેલ કરવાનો મુદ્દો નથી ઊઠાવ્યો. યૂક્રેન અને સમગ્ર યુરોપે એક થઇને પુતિનની સામે થવું પડશે. યુરોપે પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં ભાગીદાર બનવું પડશે. ઝેલેન્સ્કીનું માનવું છે કે પુતિન એવો પ્રયાસ કરી રહ્યા છે કે અમેરિકાને રશિયાની તરફેણમાં માહોલ બનાવવા યૂક્રેનના હિતોની ઉપેક્ષા કરવા મજબૂર કરી શકાય કે જેથી તેઓ રશિયાને મોટી રાહતો આપવા તૈયાર થઇ જાય.


