ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં આઇસીસી એકેડેમી ગ્રાઉન્ડ ખાતે પોતાની પૂર્વતૈયારીનો પ્રારંભ કર્યો હતો.
પેસ બોલર મોહમ્મદ શમીએ બોલિંગ કોચ માર્ને મોર્કેલ સાથે લાંબા સમય પસાર કર્યો હતો. બોર્ડની નવી એસઓપી લાગુ થયા બાદ વૈકલ્પિક પ્રેક્ટિસનો પ્રશ્ન રહેતો નથી અને સુકાની રોહિત શર્માથી લઇને યુવા હર્ષિત રાણા સહિત તમામે પ્રેક્ટિસ કરી હતી. ઇંગ્લેન્ડ સામેની ટી20 અને વન-ડે દ્વારા ક્રિકેટમાં પુનરાગમન કરનાર શમીએ ઘૂંટણમાં સ્ટ્રેચેબલ કેપ પહેરી રાખી હતી. મોર્કેલે તમામ બોલર્સને બેટ્સમેન પાસે લઇને આદર્શ કઇ લેન્થથી બોલિંગ કરવી તે અંગે ટિપ્સ આપી હતી. બેટ્સમેનોના નેટ્સમાં આવ્યા બાદ શમીએ લાંબા સ્પેલ નાખ્યા હતા.
હાર્દિક પંડયા અને શ્રોયસ ઐયરે કુલદીપ યાદવ અને બાકીના સ્પિનર્સ સામે બેટિંગ કરી હતી. હાર્દિકનો એક પાવરફુલ શોટ રિષભ પંતને ઘૂંટણમાં વાગ્યો હતો. પંતને અસહ્ય દુખાવો થયો હતો પરંતુ ફિઝિયો કમલેશ જૈને તાત્કાલિક તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપી હતી. ઇજા ગંભીર નહોતી અને પંત તરત જ પેડ પહેરીને બેટિંગ પ્રેક્ટિસ માટે ગયો હતો. કોહલીએ પ્રેક્ટિસ દરમિયાન એકાગ્રતા સાધી હતી. રોહિત સારા મૂડમાં જણાતો હતો. મુખ્ય બેટ્સમેનોની નેટ પ્રેક્ટિસ દરમિયાન હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને પંતે ફિલ્ડિંગ કોચ દિલીપ સાથે પ્રેક્ટિસ કરી હતી. કોહલી ફન એક્ટિવિટી દરમિયાન સાથી ખેલાડીઓ સાથે મજાક મસ્તી કરતો નજરે પડયો હતો.


