ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, ભારતીય ટીમ એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલના પિતાનું અવસાન થયું છે, જેના કારણે તેમને દુબઈથી દક્ષિણ આફ્રિકામાં તેમના ઘરે પાછા ફરવું પડ્યું.
ભારતીય ટીમ દુબઈ પહોંચ્યાના બે દિવસ પછી આ સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ખુલાસો થયો છે કે મોર્કેલ આફ્રિકા પાછો ફર્યો છે, પરંતુ તે ક્યારે પાછો ફરશે તે અંગે કોઈ અપડેટ નથી.
ટીમ સાથે ન જોવા મળ્યો મોર્કેલ
મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે ભારતીય ટીમ સોમવાર, 17 ફેબ્રુઆરીના રોજ ટ્રેનિંગ માટે આવી ત્યારે મોર્કેલ ટીમ સાથે ન હતો, પરંતુ 16 ફેબ્રુઆરીએ તે ટીમ સાથે જોવા મળ્યો. મોર્કેલની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે કારણ કે જસપ્રીત બુમરાહ ઈજાના કારણે પહેલાથી જ ટીમની બહાર થઈ ગયો છે.
મોહમ્મદ શમી ચોક્કસપણે ટીમનો ભાગ બની ગયો છે, પરંતુ તે પણ 14 મહિના પછી ઈજામાંથી સ્વસ્થ થઈને પરત ફર્યો છે. અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને ODI ફોર્મેટમાં બહુ અનુભવ નથી. તેથી મોર્કેલનું સ્વદેશ વાપસી ટીમ ઈન્ડિયા માટે કોઈ સમસ્યાથી ઓછું નથી.
ગયા વર્ષે બોલિંગ કોચ તરીકે કરવામાં આવ્યો નિયુક્ત
મોર્ને મોર્કલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચનું પદ સંભાળ્યું હતું. મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફમાં હાલમાં મોર્કેલ, અભિષેક નાયર અને રાયન ટેન ડોશેટનો સમાવેશ થાય છે. જ્યારે ટી દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે યથાવત છે. તાજેતરમાં, સીતાશુ કોટક ટીમ ઈન્ડિયામાં બેટિંગ કોચ તરીકે જોડાયો છે.
20 ફેબ્રુઆરીએ ભારતની પહેલી મેચ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભલે 19 ફેબ્રુઆરીથી શરૂ થશે, પરંતુ ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે. બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાશે અને ત્યારબાદ ભારત 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમશે.


