19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ગઈ છે. ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમના ઓપનિંગ બેટ્સમેન ફખર ઝમાનને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું.
ટીમના યુવા સ્ટાર બેટ્સમેન સેમ અયુબ ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં, જો ફખર ઝમાનની ઈજા ગંભીર હોય તો તે પાકિસ્તાન ટીમ માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે.
પહેલી ઓવરમાં ઈજા
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચની પહેલી ઓવર શાહીન આફ્રિદીએ ફેંકી હતી. ઓવરના બીજા બોલ પર વિલ યંગના શોટને રોકવા માટે ફખર ઝમાને બાઉન્ડ્રી પર ડાઈવ મારી. આ દરમિયાન, તેનો ઘૂંટણ આઉટફિલ્ડમાં ફસાઈ ગયો અને તેને ઈજા થઈ. આ પછી, તે ફિઝિયો સાથે મેદાનની બહાર ગયો અને તેની જગ્યાએ કામરાન ગુલામ મેદાનમાં આવ્યો.
શું ફખર ઝમાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે?
ફખર ઝમાનની ઈજા બાદ ફેન્સના મનમાં સવાલ એ છે કે તે ક્યારે મેદાનમાં પાછો ફરી શકશે. PCB દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ, તેની ઈજાની તપાસ કરવામાં આવી રહી છે અને તેના અંગે વધુ અપડેટ આપવામાં આવશે. ફખર ઝમાન તાજેતરમાં જ પાકિસ્તાન ટીમમાં પરત ફર્યો છે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ માટે પ્લેઈંગ ઈલેવન
પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), ફખર ઝમાન, બાબર આઝમ, સઈદ શકીલ, સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.
ન્યુઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, નાથન સ્મિથ, મેટ હેનરી, વિલિયમ ઓ’રોર્ક.


