અનુભવી ઓપનર પ્રિયાંક પંચાલે નોંધાવેલી લડાયક અણનમ સદીની મદદથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાતી રણજી ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલના ત્રીજા દિવસે ગુજરાતે કેરળને વળતી લડત આપી હતી.
ત્રીજા દિવસની રમતના અંતે ગુજરાતે પ્રથમ દાવમાં એક વિકેટે 222 રન બનાવ્યા હતા. કેરળના પ્રથમ દાવના 457 રનની સામે યજમાન ગુજરાત હજુ 235 રન પાછળ છે અને તેની નવ વિકેટ અકબંધ છે. સ્ટમ્પના સમયે પ્રિયાંક 200 બોલમાં 13 બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 117 તથા મનન હિંગરાજિયા 108 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યા હતા. પ્રિયાંક અને આર્ય દેસાઈએ પ્રથમ વિકેટ માટે 131 રનની ભાગીદારી નોંધાવીને ગુજરાત માટે શાનદાર શરૂઆત કરી હતી.
આર્ય 118 બોલમાં 11 બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 73 રન બનાવીને આઉટ થયો હતો. અગાઉ ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં કેરળનો પ્રથમ દાવ 39 રનના ઉમેરા સાથે 457ના સ્કોરે પૂરો થયો હતો. અઝહરુદ્દીન 177 રન બનાવીને અણનમ રહ્યો હતો. ગુજરાત માટે સુકાની ચિંતન ગજાએ 75 રનમાં બે વિકેટ ઝડપવાની સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી. અરઝાને 81 રનમાં ત્રણ વિકેટ હાંસલ કરી હતી.


