ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 22 ફેબ્રુઆરીએ દુબઈના મેદાન પર રમાશે. આ હાઈ વોલ્ટેજ મેચ પર બધાની નજર ટકેલી છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતને તાવ આવી રહ્યો છે.
ગિલે આપી માહિતી
મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં, ભારતીય બેટ્સમેન શુભમન ગિલે કહ્યું કે પંતે શનિવારે (21 ફેબ્રુઆરી) તાવને કારણે ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો ન હતો. બાંગ્લાદેશ સામેની મેચમાં રિષભ પંત પણ રમ્યો ન હતો. પંત પાકિસ્તાન સામે રમશે કે નહીં તે ચોક્કસ નથી. પંત કરતાં રાહુલને પ્રાથમિકતા આપવામાં આવી છે.
બાંગ્લાદેશ સામે કેએલ રાહુલે આત્મવિશ્વાસ સાથે વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી. તેને પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને 47 બોલમાં 41* રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે, આ ઈનિંગને કારણે તેને ભારતને જીત અપાવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
કોચ ગંભીરે કહી આ વાત
ઈંગ્લેન્ડ સામેની સિરીઝ પછી, ગંભીરે કહ્યું હતું કે, “કેએલ અમારો નંબર 1 વિકેટકીપર છે અને હું આ સમયે ફક્ત એટલું જ કહી શકું છું કે રિષભ પંતને તક મળશે, પરંતુ હાલમાં કેએલએ સારું પ્રદર્શન કર્યું છે અને અમે બે વિકેટકીપર-બેટ્સમેનને રમી શકતા નથી.”
તેમને કહ્યું હતું કે, “આપણે એવરેજ અને આંકડા જોતા નથી. આપણે જોઈશું કે કોણ કયા સમયે સારું પ્રદર્શન કરી શકે છે. પંતે છેલ્લે 2024માં શ્રીલંકા સામે ODI રમી હતી, જ્યાં તે છ રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે બંને દેશોની ટીમો
ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), શ્રેયસ ઐયર, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.
પાકિસ્તાન ટીમ: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), સલમાન અલી આગા (વાઈસ-કેપ્ટન), બાબર આઝમ, ઈમામ-ઉલ-હક, સઈદ શકીલ, કામરાન ગુલામ, ખુશદિલ શાહ, તૈયબ તાહિર, ઉસ્માન ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રૌફ, નસીમ શાહ, મુહમ્મદ હસનૈન અને અબરાર અહેમદ.


