પાકિસ્તાન સરકારે કરાચીની મલીર જેલમાંથી 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે અને તેમને ભારતને સોંપવામાં આવે તેવી અપેક્ષા છે. આ માછીમારો શનિવારની મોડી રાત્રે ભારતમાં આવે તેવી શક્યતા છે. ભારતના તમામ માછીમારો દરિયો ખેડતા અજાણતા જળસીમા ઓળંગી ગયા હતા. પાકિસ્તાન મરીન પોલીસ દ્વારા તેમને જેલ હવાલે કરાયા હતા.
22 ભારતીયોની પાકિસ્તાન જેલમાં સજા પૂરી થઈ
મલીર જેલના અધિક્ષક અરશદ શાહે મીડિયાને જણાવ્યું હતું કે શુક્રવારે માછીમારોને તેમની સજા પૂર્ણ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આ માછીમારો, મુખ્યત્વે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી, તેઓ અજાણતાં પાકિસ્તાની જળસીમામાં ઘૂસી જતાં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીના હાથે ઝડપાઈ ગયા હતા.
પાકિસ્તાનની જેલમાં 266 ભારતીયોની સામે ભારતમાં 462 પાકિસ્તાનીઓ જેલમાં કેદ
ભારતીય માછીમારોને સામાન્ય રીતે વાઘા બોર્ડર દ્વારા પરત મોકલવામાં આવે છે, જ્યાંથી તેઓ ટ્રેન દ્વારા તેમના ઘરે પરત ફરશે. કેન્દ્રીય અધિકારીઓની સાથે ગુજરાતના અધિકારીઓ પણ ઔપચારિકતા પૂર્ણ કરવા અટારી-વાઘા બોર્ડર પર પહોંચી ગયા છે. માછીમારોની મુક્તિના સમાચારથી દરિયાકાંઠાના ગુજરાતમાં તેમના પરિવારજનોમાં આનંદ છવાયો છે. 1 જાન્યુઆરીના રોજ કરાયેલી કેદીઓની યાદી મુજબ, પાકિસ્તાને 217 માછીમારો અને 49 નાગરિકો સહિત 266 ભારતીય કેદીઓને રાખ્યા હતા, જ્યારે ભારતે 462 પાકિસ્તાની અટકાયતીઓની નોંધ કરી હતી, જેમાં 381 નાગરિકો અને 81 માછીમારો હતા.


