એશિયન ઉપખંડમાં બે શક્તિશાળી ટીમ ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ-એનો રોમાંચક મુકાબલો રમાશે ત્યારે વિશ્વના કરોડો સમર્થકોની આ મેચ ઉપર નજર રહેશે. યજમાન પાકિસ્તાનને પોતાના ઘરઆંગણે રમાતી આઇસીસી
ઇવેન્ટમાં પોતાના અભિયાનનો નિરાશાજનક પ્રારંભ કર્યો હતો અને તેણે ઓપનિંગ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી કુલ પાંચ વખત આમનેસામને થયા છે જેમાં ભારતે બે તથા પાકિસ્તાને ત્રણ વિજય હાંસલ કર્યા હતા.
પાકિસ્તાને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ભારત પાસે આ વખતે તેનો હિસાબ સરભર કરવાની તમામ તક રહેલી છે. ઓવરઓલ વન-ડે મુકાબલામાં પણ પાકિસ્તાનનું પલડું ભારે રહ્યું છે. બંને વચ્ચે એકબીજાની ધરતી ઉપર તથા ન્યૂટ્રલ વેન્યૂ એમ ઓવરઓલ 135 મેચ રમાઈ છે જેમાં ભારતે 57 તથા પાકિસ્તાને 73 વિજય મેળવ્યા છે. પાંચ મેચનું કોઇ રિઝલ્ટ આવ્યું નહોતું. દુબઇના સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે રહ્યું છે. બંને ટીમે આ મેદાનમાં અત્યાર સુધી બે મુકાબલા રમ્યા છે અને બંનેમાં ભારતે વિજય મેળવ્યો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ 23મી ફેબ્રુઆરી પાકિસ્તાન સામે વિજયની હેટ્રિક નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે. આ મુકાબલો બપોરે 2:30 વાગ્યાથી શરૂ થશે.
ફખરના સ્થાને ઇમામ અથવા ઉસ્માનને રમાડાશે
ઓપનર ફખર ઝમાનના ઇવેન્ટમાંથી આઉટ થયા બાદ ઇમામ ઉલ હકને તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સ્થાન અપાયું છે. ઉસ્માન ખાન પણ તેમનો રિઝર્વ બેટ્સમેન છે. જોકે તેણે હજુ વન-ડેમાં ડેબ્યૂ કર્યો નથી પરંતુ જો તેને રમાડવામાં આવશે તો તે ચોથા ક્રમે બેટિંગ કરશે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સઉદ શકીલના સ્થાને ઉસ્માન ખાનને તક આપવામાં આવી શકે છે. તૈયબ તાહિરના સ્થાને કામરાન ગુલામને મેનેજમેન્ટ પ્લેઇંગ ઇલેવનમાં રમાડી શકે છે.
ઇન્ડો-પાક. મુકાબલા માટે સટ્ટાબજાર ગરમ
ક્રિકેટના મેદાનમાં સૌથી મોટા જંગ સમાન ગણાતા ભારત વિ. પાકિસ્તાનના મુકાબલા ઉપર સમર્થકોની સાથે સટ્ટાબાજોની પણ બાજનજર રહેશે. શનિવારે સટ્ટાબજારમાં ભારતીય ટીમ ફેવરિટ રહી હતી પરંતુ સાંજના સમયે પાકિસ્તાન ઉપર પણ સટ્ટો રમાયો હોવાની સંભાવના છે. સટ્ટાબજારમાં ભારત 300 પ્લસનો સ્કોર નોંધાવશે તેની ઉપર પણ સટ્ટો રમવામાં આવી રહ્યો છે. ટૂંકમાં આ મેચમાં મોટાપાયે ઉથલપાથલ થશે અને કરોડોની હેરાફેરી થવાની પૂરી સંભાવના છે.
ભારત અર્શદીપને મેદાનમાં ઉતારે તેવી શક્યતા
પાકિસ્તાન સામેની મેચમાં પણ ભારત વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખશે. જોકે ડાબોડી પેસ બોલર અર્શદીપસિંહને સરપ્રાઇઝ એન્ટ્રી થાય તો આૃર્ય થશે નહીં. સુકાની રોહિત શર્મા અને હેડ કોચ ગૌતમ ગંભીર અર્શદીપને તક આપવાનું વિચારી શકે છે કારણ કે આ યુવા પેસર પાકિસ્તાન સામે અસરકારક રહ્યો છે. તેણે પાકિસ્તાન સામેની બે ટી20 મેચમાં ચાર ‘ વિકેટ ઝડપી છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને પાકિસ્તાન સામેની મેચમાં પણ બેન્ચ ઉપર બેસવું પડી શકે છે.


