વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી એલોન મસ્ક તેમને મળ્યા હતા. જે બાદ ટેસ્લા અને સ્ટારલિંક ભારત આવવાની ચર્ચાઓ જોર પકડે છે. હવે પડોશી દેશ બાંગ્લાદેશમાં સ્ટારલિંક આવવાની આશા વધી ગઈ છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે અબજોપતિ ઉદ્યોગસાહસિક એલોન મસ્કને આગામી 90 દિવસમાં સ્પેસએક્સની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાના લોન્ચિંગની દેખરેખ માટે દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.
યુનુસનો એલોન મસ્કને પત્ર
મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે ટોચના યુએસ બિઝનેસમેન અને SpaceX ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્કને બાંગ્લાદેશની મુલાકાત લેવા અને દેશમાં સ્ટારલિંક સેટેલાઇટ સેવા શરૂ કરવા આમંત્રણ આપ્યું છે. યુનુસે તેના પત્રમાં લખ્યું છે કે બાંગ્લાદેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટારલિંક કનેક્ટિવિટીને એકીકૃત કરવાથી ખાસ કરીને બાંગ્લાદેશના ઉદ્યોગસાહસિક યુવાનો, ગ્રામીણ અને સંવેદનશીલ મહિલાઓ અને દૂરસ્થ અને અછતગ્રસ્ત સમુદાયો પર પરિવર્તનકારી અસર થશે. અત્રે નોંધનીય છે કે એક તરફ બાંગ્લાદેશમાં બેરોજગારી, ખૂન-ખરાબા, ગરીબી અને યુવાઓના અંધકારમય ભવિષ્ય સામે યુનુસ કઈ ઝાઝું ઉકાળી શકે તેમ નથી. તો બીજી તરફ દેશમાં સ્ટારલિંકની સેવા શરૂ કરવા માટે આમંત્રણ અપાઈ રહ્યા છે.
યુનુસે મસ્ક સાથે ફોન પર વાત કરી હતી
મોહમ્મદ યુનુસે 13 ફેબ્રુઆરીએ એલોન મસ્ક સાથે ટેલિફોનિક ચર્ચા બાદ આ આમંત્રણ મોકલ્યું છે. જેમાં સહકારની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્ટારલિંકને ઝડપથી દેશમાં લાવવા અને મસ્કની ટીમ સાથે નજીકથી કામ કરવા માટે મુખ્ય સલાહકારે તેમના ઉચ્ચ પ્રતિનિધિ ડૉ. ખલીલુર રહેમાનની નિમણૂક કરી છે. જો બાંગ્લાદેશમાં સ્ટારલિંક સેવાઓ શરૂ થાય છે, તો તે સંકટગ્રસ્ત દેશ માટે મોટી રાહત હશે. કારણ કે બાંગ્લાદેશમાં ભારત જેવી સારી ઇન્ટરનેટ સેવા નથી.
ભારતમાં સ્ટારલિંક સેવાઓ થોડા દિવસોમાં શરૂ થઈ શકે
સ્ટારલિંક ભારતમાં આવી રહી છે. ત્યારે લાંબી રાહ જોયા બાદ હવે કંપનીએ તેના તમામ જરૂરી દસ્તાવેજો ભારત સરકારને સુપરત કરી દીધા છે અને અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સ્ટારલિંક સર્વિસ સૌથી પહેલા ભારતમાં શરૂ થશે કે બાંગ્લાદેશમાં.


