ઇન્ટર માયામીએ ઘરઆંગણે રમાયેલી મેજર લીગ સોકર (એમએલએસ) ફૂટબોલ ટૂર્નામેન્ટના ઓપનિંગ મુકાબલામાં ન્યૂયોર્ક સિટી સામે 2-2નું પરિણામ મેળવ્યું હતું.
આ મેચમાં માયામીના થોમસ એવિલ્સને 23મી મિનિટે રેડ કાર્ડ મળતા ટીમને 10 ખેલાડીઓથી રમવાની ફરજ પડી હતી. જોકે માયામી માટે થોમસ એવિલ્સે પાંચમી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. મિત્જા ઇલેનિકે 26મી તથા એલોન્સો માર્ટિનેઝે 55મી મિનિટે ગોલ કરીને ન્યૂયોર્ક સિટીને 2-1થી આગળ કરી દીધું હતું.
ઇન્ટર માયામી એક સમયે મેચ હારી જશે તેમ લાગતું હતું પરંતુ મેચ બાદના એક્સ્ટ્રા ટાઇમની 10 મિનિટે સ્ટાર ખેલાડી લાયોનલ મેસ્સીએ આપેલા શાનદાર પાસને તેલાસ્કો સેગોવિયાએ (90 પ્લસ 10 મિનિટ) ગોલમાં ફેરવીને ઇન્ટર માયામી માટે મુકાબલો ડ્રો થાય તે સુનિશ્ચીત કર્યું હતું. લીગના અન્ય મુકાબલામાં સાન જોસે રિયલ સોલ્ટ લેક સિટીને 4-0થી તથા એફસી ડલાસે હ્યુસ્ટન ડાયનેમોને 2-1થી હરાવી હતી. સોલ્ટ લેક સિટી સામે સાન જોસ ટીમ તરફથી જામર રિકેટ્સે 28મી, રોડ્રિગુઝે 70મી, ઓયુસેની બોયુડાએ 74મી તથા વિટોર કોસ્ટા ડી બ્રિટોએ 83મી મિનિટે ગોલ નોંધાવ્યા હતાં.


