યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 2000 કર્મચારીઓને કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ પહેલા એલોન મસ્કે લાખો યુએસ ફેડરલ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો હતો. આ કર્મચારીઓએ 48 કલાકની અંદર જણાવવું પડ્યું કે તેમણે ગયા અઠવાડિયે નકામા ખર્ચ ઘટાડવા માટે શું કર્યું? મહત્વનું છે કે ટ્રમ્પે મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા બનાવ્યા છે. મસ્કને સરકારી ખર્ચ ઘટાડવા અને નકામા ખર્ચને રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે.
શું કહેવામાં આવ્યું USAIDના કર્મચારીઓને ?
શુક્રવારે એક ફેડરલ ન્યાયાધીશે વહીવટીતંત્રને USAID કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. એમ એક મીડિયા રિપોર્ટના અહેવાલમાં જણાવાયું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટેની કર્મચારીઓની વિનંતીને ફગાવી દીધી હતી.
USAID કર્મચારીઓને મોકલવામાં આવેલા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 23 ફેબ્રુઆરી રાત્રે 11:59 વાગ્યાથી, સીધા કાર્યરત USAID કર્મચારીઓને વહીવટી રજા પર મૂકવામાં આવશે, સિવાય કે મિશન-આધારિત આવશ્યક કાર્યો, મુખ્ય નેતૃત્વ અને ખાસ નિયુક્ત કાર્યક્રમોમાં સામેલ કર્મચારીઓને.
USAID પર વહીવટીતંત્રનું કડક વલણ
ટ્રમ્પ વહીવટીતંત્રે પહેલાથી જ USAID ના વોશિંગ્ટન મુખ્યાલયને બંધ કરી દીધું છે અને વૈશ્વિક સ્તરે હજારો યુએસ સહાય અને વિકાસ કાર્યક્રમોને અટકાવી દીધા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બજેટ સુધારક એલોન મસ્ક કહે છે કે વિદેશી સહાય અને વિકાસ કાર્ય બિનજરૂરી ખર્ચ અને ઉદારવાદી એજન્ડાને પ્રોત્સાહન આપે છે
કર્મચારીઓ માટે ચિંતા
USAID ના કર્મચારીઓ, ખાસ કરીને જેઓ વિદેશમાં તૈનાત છે, તેમણે સરકાર સમક્ષ તેમની સુરક્ષા અને સંદેશાવ્યવહાર સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે ન્યાયાધીશ કાર્લ નિકોલ્સે કહ્યું કે વહીવટીતંત્રે તેમને ખાતરી આપી છે કે વિદેશમાં તૈનાત કર્મચારીઓને કટોકટી સંચાર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત, ટુ-વે રેડિયો અને પેનિક બટન સુવિધા સાથેની મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ થશે.
USAID કોન્ટ્રાક્ટરોને પણ ઝટકો
USAID ના સેંકડો કોન્ટ્રાક્ટરોને પણ અચાનક કાઢી મૂકવામાં આવ્યા છે. તેમાંથી ઘણાને નામ વગરના ટર્મિનેશન લેટર મોકલવામાં આવ્યા છે. કર્મચારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આવી અસ્પષ્ટ સૂચનાથી તેમને બેરોજગારી લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.


