કોફીની વાત આવે ત્યારે સ્ટારબક્સ કોફીનું નામ મોઢે આવી જ જાય. સ્ટાકબક્સ વિશ્વભરમાં કોફી હાઉસ ચેઇન ચલાવે છે. ભારતમાં ટાટા ગ્રુપ સાથે જોઇન્ટ વેન્ચર ચલાવે છે. હવે, આ મોટી કંપનીના કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે અને 1100 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી છે. સ્ટારબક્સના સીઈઓએ કંપનીના પુનર્ગઠન યોજનાના ભાગ રૂપે આ છટણીની જાહેરાત કરી છે.
વેચાણમાં ઘટાડો વચ્ચે છટણી
મીડિયાના એક અહેવાલ મુજબ Starbucks Corp તેના કાર્યબળમાંથી 1,100 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. ચેરમેન અને સીઈઓ બ્રાયન નિકોલે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પદ સંભાળ્યા બાદ વેચાણમાં આવેલા ઘટાડા બાદ આ કંપનીમાંથી છટણીની જાહેરાત કરી છે. રિપોર્ટમાં કંપનીએ હવાલા આપતા જણાવ્યું કે સોમવારે કર્મચારીઓના નામે જાહેર કરાયેલા પત્રમાં આ માહિતી શેર કરવામાં આવી હતી અને જે કર્મચારીઓ આ છટણીનો ભોગ બનવાના છે તેમને મંગળવાર બપોર સુધીમાં જાણ કરવામાં આવશે.
સીઈઓએ પહેલેથી આપ્યા હતા છટણીના સંકેતો
બ્રાયન નિકોલે 2025 ની શરૂઆતમાં જ આ છટણીનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્ટારબક્સ માર્ચની શરૂઆતમાં છટણીનું પગલું ભરી શકે છે. હવે, 1100 કર્મચારીઓની છટણી કરવાની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે કંપનીમાં સેંકડો ખાલી જગ્યાઓ પણ દૂર કરવામાં આવશે. મહત્વનું છે કે વિશ્વભરમાં સ્ટારબક્સ સાથે લગભગ 16000 કર્મચારીઓ કામ કરે છે. કંપનીના વિશ્વભરના 80 દેશોમાં 36,000 થી વધુ સ્ટોર્સ છે.
આ કર્મચારીઓને છટણીની અસર નહી
મળતા અહેવાલ મુજબ સ્ટારબક્સના સીઈઓ બ્રાયન નિકોલે છટણી અંગેના તેમના પત્રમાં સ્પષ્ટતા કરી છે કે અમારો હેતુ વધુ કાર્યક્ષમ રીતે કામ કરવાનો, જવાબદારી વધારવાનો, જટિલતા ઘટાડવાનો અને વધુ સારા એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે, જેને ધ્યાને રાખીને આ પગલુ લેવામાં આવી રહ્યું છે. જો કે આ પગલાની અસર રોસ્ટિંગ અને વેરહાઉસ સંબંધિત સ્ટાફને થશે નહી. આ સાથે, જે કર્મચારીઓ આ છટણીનો ભોગ બનવાના છે તેમને 2 મે, 2025 સુધી પગાર અને અન્ય લાભો મળતા રહેશે.
ભારતમાં ટાટા સાથે જોઈન્ટ વેન્ચર
સ્ટારબક્સનો ભારતમાં પણ મોટો વ્યવસાય છે. તે ટાટા ગ્રુપની કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે જોઇન્ટ વેન્ચર ચલાવે છે. ટાટા સ્ટારબક્સે ઓક્ટોબર 2012 માં ભારતમાં કોફીહાઉસ ચેઇન બિઝનેસ શરૂ કર્યો હતો અને તે સતત તેના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગયા વર્ષે, 2024 સુધીમાં તેના 390 સ્ટોર્સ હતા અને 2028 સુધીમાં 1000 સ્ટોર્સ ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે.


