ઈરાન સાથે કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ડીલ કરવા બદલ અમેરિકાએ ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઈરાન પર દબાણ વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની નીતિ હેઠળ આ પગલું ભરાયું છે. અમેરિકાના ફોરેન એસેટ્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટે આ નિર્ણય લીધો છે. તેની હેઠળ અમેરિકાના વિદેશ મંત્રાલયે ઘણા દેશાના 30 લોકો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા ભારતની જે ચાર કંપની પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં એક નવી મુંબઈ સ્થિત ફ્લક્સ મેરિટાઇમ એલએલપી, એનસીઆરમાં ચાલતી બીએસએન મેરીન અને ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રા.લિ. સામેલ છે. તંજાવુર સ્થિત કોસમોસ લાઇન્સ પર પણ અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. આમાંની પ્રથમ ત્રણ કંપનીઓ પર ઈરાનના તેલ લઈ જતાં જહાજોનું સંચાલન કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત, કોસમોસ લાઇન્સને ઈરાનના તેલના ટ્રાન્સપોર્ટમાં સામેલ થવા સામે પ્રતિબંધ મુકાયો છે.
કમાણીનો અતિવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગ
અમેરિકાના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે ઈરાનના તેલ દ્વારા થતી કમાણીનો ઉપયોગ અતિવાદી પ્રવૃત્તિઓમાં થાય છે. તેથી તેમની સામે પગલાં ભરવાં જરૂરી છે. જે જહાજો અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર પ્રતિબંધ મુકાયો છે તેમના દ્વારા ઈરાની તેલનું ટ્રાન્સપોર્ટેશન કરાયું હતું.
અમેરિકાએ ઈરાન પર આરોપોનો મારો કર્યો
અમેરિકાએ ઈરાન પર અનેક આરોપ કર્યા છે. અમેરિકાએ કહ્યું કે ઈરાનને જે કમાણી થાય છે તેનો ઉપયોગ તેણે વૈશ્વિક સુરક્ષાને જોખમમાં નાખવા કર્યો છે. તેણે આ કમાણીમાંથી પરમાણુ જોખમ ઊભું કર્યું છે. આ ઉપરાંત બેલાસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પણ આગળ વધાર્યો છે. ઈરાને આતંકવાદી સમૂહોને પણ મજબૂત કર્યા છે.


