ચીનની એક કંપનીએ સિંગલ અને છૂટાછેડા લીધેલા લોકો માટે આશ્રયજનક પોલિસી બનાવી છે. પોલિસી હેઠળ કંપનીએ નોટિસ ઇશ્યૂ કરીને આવા કર્મચારીઓને તાત્કાલિક લગ્ન કરવા કહ્યું છે.
લગ્ન નહીં કરવા પર તેમને નોકરીથી હાથ ધોવાની ધમકી આપવામાં આવી છે. પરંતુ ચારેય તરફ વિરોધ અને અધિકારીઓની ફટકાર બાદ કંપનીએ નોટિસ પરત ખેંચી છે. વાસ્તવમાં ચીનમાં યુવાઓ લગ્ન કરવામાં રસ દેખાડી રહ્યા નથી અને તેથી જ ચીનની વસ્તી ઘટવાની સાથે જ દેશમાં વૃદ્ધોની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. સરકાર તેના માટે એક્શન પણ લઇ રહી છે તેમ છતાં પરિસ્થિતિ જેમની તેમ જ છે. પોલિસીનો આશય મેરેજ રેટ્સમાં વધારો કરવાનો હતો. કંપનીની પોલિસીમાં કહેવાયું હતું કે 28થી 58 વર્ષની વયના સિંગલ અને છૂટાછેડા લેનારા કર્મચારીઓએ આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં લગ્ન કરીને પોતાનું ઘર વસાવવું જરુરી છે.જે લોકો માર્ચ મહિનાના અંત સુધીમાં પોતાનું ઘર નહીં વસાવે તેમણે પોતાની ટીકા કરતો પત્ર લખીને કારણ જણાવવું પડશે.અને જો તેઓ જૂનના અંત સુધીમાં લગ્ન નહીં કરે તો કંપની તેમનું મૂલ્યાંકન કરશે. જો તેઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં લગ્ન નહીં કરે તો તેમને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવશે. પોલિસીનું પાલન કરવા માટે કંપનીઓ કર્મચારીઓને નોટિસ આપીને કહ્યું હતું કે તેઓની નોકરી જઇ શકે છે.
કંપનીએ અંતે નોટિસ પરત ખેંચી હતી
અહેવાલો અનુસાર માનવ સંસાધન અને સામાજિક સુરક્ષા બ્યૂરોએ 13 ફેબ્રુઆરીના રોજ કંપનીની મુલાકાત લીધી હતી અને તેના બીજા જ દિવસે કંપનીએ પોતાની નોટિસ પાછી ખેંચી લીધી હતી. સાથે જ જણાવ્યું હતું કે મેરિટલ સ્ટેટસને કારણે કોઇપણ કર્મચારીને નોકરીમાંથી તગેડી મુકાયા નથી. કંપનીનું નામ શંટિયન કેમિકલ ગ્રુપ છે. જે પૂર્વ ચીનના શાદોંગ પ્રાંતમાં આવેલી છે. તેમાં લગભગ 1200 લોકો કામ કરે છે.


