દક્ષિણ આફ્રિકામાં ટેબલ માઉન્ટેનના ઢોળાવમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ બુઝાવવા માટે 100 થી વધુ ફાયર કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. નેશનલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ કેપટાઉન સુધી ફેલાય તે પહેલા તેને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ હતા. ટેબલ માઉન્ટેન દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં સ્થિત એક સપાટ ટોચનો પર્વત છે જે તેની પ્રાકૃતિક સુંદરતા અને જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે.
આગ ઓલવવા હેલિકોપ્ટર અને વિમાનો તૈનાત
ટેબલ માઉન્ટેનનું સંચાલન કરનાર દક્ષિણ આફ્રિકા રાષ્ટ્રીય ઉદ્યાને જણાવ્યું હતું કે આગને બુઝાવવા માટે ચાર હેલિકોપ્ટર અને બે વિમાનો સાથે 115 અગ્નિશામકો તૈનાત કરવામાં આવ્યા હતા. જેને કારણે હાલમાં આગ પર કાબૂ મેળવવામાં ઘણી હદ સુધી સફળતા મળી છે. આ આગ રવિવારથી ટેબલ માઉન્ટેનની ટોચ પર શરૂ થઈ હતી અને તેજ પવનને કારણે ઢોળાવ પર ફેલાઈ ગઈ હતી.
ડિસેમ્બર અને એપ્રિલ વચ્ચે ગરમ અને શુષ્ક હવામાનને કારણે બનાવ
કેપટાઉનમાં G20 દેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠક પણ યોજાઈ રહી છે. જો કે આ આગથી સભાને કોઈ ખતરો નથી. કેપ ટાઉન વિસ્તારમાં ડિસેમ્બર અને એપ્રિલ વચ્ચે ગરમ અને સૂકી સિઝનમાં આગ લાગવી સામાન્ય બાબત છે. આ સમય દરમિયાન તીવ્ર દરિયાકાંઠાના પવનો ફૂંકાય છે અને આગ ફેલાય છે.
2021માં ભયાનક આગ લાગી હતી
2021 ટેબલ માઉન્ટેન આગ તાજેતરના વર્ષોમાં સૌથી ખરાબ હતી, જેણે કેપ ટાઉન યુનિવર્સિટીની ઐતિહાસિક ઇમારતોનો નાશ કર્યો હતો અને ઘણા વિસ્તારોને ખાલી કરાવવાની ફરજ પડી હતી. તાજેતરની આગમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. નેશનલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે અગ્નિશામકો રાતોરાત તૈનાત રહેશે કારણ કે જો પવન વધે તો આગ ફેલાઈ શકે છે.


