ગુરુવારે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગ મેચમાં, ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને 6 વિકેટથી હરાવ્યું. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ગુજરાતના કેપ્ટન એશ્લે ગાર્ડનરે 58 રનની કેપ્ટનશીપ ઈનિંગ રમી.
આ હાર બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. આ RCBનો તેના ઘરઆંગણે સતત ત્રીજો પરાજય છે.
ગુજરાતની પણ ધીમી શરુઆત
લક્ષ્યનો પીછો કરતી વખતે, ગુજરાત જાયન્ટ્સની શરૂઆત પણ ધીમી રહી હતી પરંતુ ટીમે મધ્યમ ક્રમમાં સારી વાપસી કરી. બંને ઓપનર દયાલન હેમલાથા (11) અને બેથ મૂની (17) મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા. પરંતુ કેપ્ટન એશ્લે ગાર્ડનરે શાનદાર ઈનિંગ્સ રમીને ટીમનો વિજય સરળ બનાવ્યો.
એશ્લે ગાર્ડનરે ફટકારી અડધી સદી
ગુજરાતની કેપ્ટન એશ્લે ગાર્ડનરે 31 બોલમાં 58 રન બનાવ્યા. આ ઈનિંગમાં તેણે 3 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. પોતાની અડધી સદી પૂરી કર્યા પછી, તેણે સતત બે છગ્ગા ફટકાર્યા. આઉટ થતા પહેલા, તેણે પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. ફોબી લિચફિલ્ડે પણ તેને સારો સાથ આપ્યો, 21 બોલમાં અણનમ 30 રન બનાવ્યા. તેણે 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકાર્યા.
આરસીબીએ આપ્યો 125 રનનો ટાર્ગેટ
પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 125 રન બનાવ્યા. ટોસ હારીને બેટિંગમાં આવ્યા બાદ RCBની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ડેનિયલ વેઈટ 4 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ પછી, એલિસ પેરી શૂન્ય રન બનાવીને પેવેલિયન પરત ફરી અને ત્યારબાદ કેપ્ટન સ્મૃતિ મંધાના 10 રન બનાવીને પાછી ફરી. 25 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ આરસીબી દબાણમાં આવી ગયું.
કનિકા આહુજાએ 33 રન અને રાઘવી બિષ્ટે 22 રન બનાવની આરસીબીને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. જ્યોર્જિયા વેરહેમે 20 રન બનાવીને RCBને 125 રન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ગુજરાત જાયન્ટ્સ તરફથી ડિઆન્ડ્રા ડોટિન અને તનુજા કંવરે 2-2 વિકેટ લીધી. એશ ગાર્ડનર અને કાશ્વી ગૌતમને 1-1 સફળતા મળી.


