એસીટીએફ ખાતે રમાતી વિમેન્સ આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટ અંત ભાગમાં આવી ચૂકી છે. વિમેન્સ સિંગલ્સમાં રવિવારે પ્રથમ ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાની એરિના રોડિઓનોવા તથા કોરિયાની 12મી ક્રમાંકિત સોહયુન પાર્ક વચ્ચે ફાઇનલ મુકાબલા રમાશે. વિમેન્સ ડબલ્સમાં જાપાનીઝ જોડીએ ટાઇટલ જીત્યું હતું.
પ્રથમ સેમિફાઇનલમાં રોડિઓનોવાએ આઠમી ક્રમાંકિત મારિયા ટેક્ચેવાને કોઈ પણ મુશ્કેલી 6-1, 6-1થી પરાજય આપ્યો હતો. બીજી સેમિફાઇનલમાં કોરિયન ખેલાડી સોહયુન પાર્કે ગુજરાતની તથા ભારતની 13મી ક્રમાંકિત વૈદેહી ચૌધરી સામે 6-4, 2-6, 6-3થી વિજય હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિમેન્સ ડબલ્સમાં જાપાનની અકિકો ઓમેઇ તથા ઇકુમી યામાઝાકીએ ભારતની વૈષ્ણવી અડકર તથા અંકિતા રૈનાની જોડીને ટાઇબ્રેકર સુધી પહોંચેલી ફાઇનલમાં 6-2, 2-6, 10-7ના સ્કોરથી પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.


