ચેમ્પિયન્સ ટ્રોફીનો પહેલી સેમીફાઈનલનો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિવાય બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.
પાકિસ્તાનમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ઘણી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી, ત્યારબાદ બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા.
હવે ફેન્સના મનમાં એ સવાલ ઉભો થાય છે કે જો સેમી-ફાઈનલ-1 અથવા સેમી-ફાઈનલ-2 વરસાદને કારણે રદ્દ થાય છે, તો મેચનું પરિણામ કેવી રીતે જાહેર કરવામાં આવશે અને શું સેમી-ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે?
સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો તે બીજા દિવસે રમાશે. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઈનલ મેચ પર વરસાદનો કોઈ ખતરો નથી.
ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે, અત્યાર સુધી વરસાદને કારણે અહીં કોઈ મેચ રદ્દ થઈ નથી. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી તેની બધી મેચ પાકિસ્તાનમાં રમી છે અને તેની ત્રણમાંથી બે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે.
જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો શું?
એક મોટો સવાલ એ છે કે જો રિઝર્વ ડે પર વરસાદ પડે અને મેચનું પરિણામ ન આવે, તો ફાઈનલિસ્ટ ટીમ કેવી રીતે પસંદ કરવામાં આવશે? ICC ના નિયમો મુજબ, જો રિઝર્વ ડે પણ વરસાદને કારણે ધોવાઈ જાય તો પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે.


