ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. દુબઈમાં રમાયેલી આ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 11 બોલ બાકી રહેતા 4 વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલીનો રહ્યો, જેને દબાણથી ભરેલી મધ્ય ઓવરો દરમિયાન પોતાની સ્થાયીતા જાળવી રાખી અને 84 રન બનાવ્યા.
ભારતે દુબઈમાં રચ્યો ઈતિહાસ
ભારતીય ટીમે દુબઈમાં ચોથી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, આ નિર્ણય ઘણી હદ સુધી સારો સાબિત થયો. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં દુબઈના મેદાન પર 250 રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ ટીમ બની. આમ છતાં, તે 265 રનના લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ ગયો. ભારત હવે દુબઈના મેદાન પર 250 થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે.
સતત ત્રીજી ફાઈનલ રમશે ભારત
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવાની હેટ્રિક હાંસલ કરી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ 2017 માં પણ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ આ વખતે તેને પાકિસ્તાન સામે 180 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમશે. તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.
વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ
વિરાટ કોહલી હવે આ ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે 84 રન બનાવીને આઉટ થયા બાદ તે 52મી ODI સદી ફટકારવાનું ચૂકી ગયો, પરંતુ તેને અત્યાર સુધીમાં ટુર્નામેન્ટની 4 ઈનિંગ્સમાં 72.33 ની પ્રભાવશાળી સરેરાશથી 217 રન બનાવ્યા છે. તેમના પછી, શ્રેયસ ઐયર આ મામલે બીજા સ્થાને છે, જેને અત્યાર સુધીમાં 4 ઈનિંગ્સમાં 195 રન બનાવ્યા છે.


