ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ટક્કર થવાની છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે સેમીફાઈનલમાં દુબઈની ધરતી પર ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું હતું. જ્યારે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 50 રને જીત મેળવી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 9 માર્ચ રવિવારના રોજ ટાઈટલ(ફાઇનલ) મેચ રમાવાની છે. ત્યારે કેટલાક પ્લેયર્સ ઇન થશે કેટલાક આઉટ, અત્યાર સુધીની મેચમાં કરેલ શ્રેષ્ઠ પર્ફોમન્સ અને ફિટનેસને આધારે ટીમ બનશે.
ICC CT ફાઈનલ પહેલા ન્યુઝીલેન્ડનું ટેન્શન કેમ વધ્યું?
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા ન્યુઝીલેન્ડની ટીમનું ટેન્શન વધી ગયું છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મેટ હેનરી ફાઇનલમાં રમશે કે કેમ તે અંગે શંકાઓ સેવાઇ રહી છે. સેમિફાઇનલ મેચ દરમિયાન હેનરીને ખભામાં પહોંચી હતી. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર હેનરિક ક્લાસેનનો કેચ પકડતી વખતે હેનરીને આ ઈજા થઈ હતી. જોકે, હેનરી પાછળથી બે ઓવર ફેંકવા માટે મેદાનમાં પાછો ફર્યો હતો. પાછા આવ્યા બાદ તે મેદાનમાં છલાંગ મારતો પણ જોવા મળ્યો હતો.
ફાઇનલના 2 દિવસ પહેલા હેનરીનું સ્ટેટસ અનિશ્ચિત
સેમિફાઇનલ બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર આ ઝડપી બોલરની ઉપલબ્ધતા અંગે આશાવાદી હતા. પરંતુ હવે ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું છે કે ફાઈનલના 48 કલાક પહેલા મેટ હેનરીની ફિટનેસ સ્થિતિ અજાણ છે. ગેરી સ્ટેડે કહ્યું, ‘અમારા દૃષ્ટિકોણથી સકારાત્મક બાબત એ છે કે તે બોલિંગમાં પાછો ફર્યો. અમે તેને કેટલાક સ્કેન અને અન્ય વસ્તુઓ કરાવી છે અને અમે તેને આ મેચ માટે ફિટ થવાની દરેક તક આપીશું. પરંતુ તેની સ્થિતિ હજુ પણ સંપૂર્ણ સ્પષ્ટ નથી. તેના ખભા પર પડવાથી તે સ્પષ્ટપણે ખૂબ પીડામાં છે. આશા છે કે તે સ્વસ્થ થઈ જશે.
ભારતીય ટીમ માટે સારા સમાચાર?
ટી હેનરીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 16.70ની એવરેજથી દસ વિકેટ લીધી છે. તે વર્તમાન ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. હેનરીએ આમાંથી પાંચ વિકેટ દુબઈમાં ભારત સામેની ગ્રુપ મેચમાં લીધી હતી. આવી સ્થિતિમાં જો હેનરી નહીં રમે તો તે ભારતીય ટીમ માટે સારા સમાચાર હશે. હેનરી ફાઇનલ મેચ રમશે કે કેમ તેની અનિશ્ચિતાઓ વચ્ચે ભારતે તો દિલથી રમી ફાઇનલ જીતવા પર ફોકસ રાખવું પડશે.
હેનરીની આવેજીમાં કયા બોલરને સ્થાન મળશે?
જો મેટ હેનરી રમવામાં અસમર્થ હોય તો જમણા હાથના ફાસ્ટ બોલર જેકબને પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે. ડફી વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ રમ્યો નથી. જોકે, ડફીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં યોજાયેલી ત્રિકોણીય શ્રેણીમાં એક મેચ રમી હતી. ત્યારબાદ તેણે યજમાન પાકિસ્તાન સામેની મેચમાં 48 રન આપીને 1 વિકેટ લીધી હતી.


