વિમેન્સ પ્રીમિયર લીગ 2025 ની 17મી મેચ શુક્રવારે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે યોજાઇ હતી. ડીસીએ પહેલી બેટિંગ કરી ગુજરાત જયન્ટ્સને 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બંને પક્ષો વચ્ચેની લડાઈ હાઈ-ઓક્ટેન થ્રિલર બની હતી. ગુજરાત જાયન્ટ્સ બેક-ટુ-બેક જીત નોંધાવ્યા બાદ શાનદાર ફોર્મમાં છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ પોતાની જાતને ટેબલમાં ટોચ પર રાખવા માટે તેમની જીતની ગતિ જાળવી રાખવા માંગે છે. પરંતુ ગુજરાત જાયન્ટ્સે 5 વિકેટે જીત હાંસિલ કરી હતી.
શુક્રવારે રમાયેલી વુમન્સ પ્રીમિયર લીગની 17મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. છેલ્લી ક્ષણો સુધી ખબર ન હતી કે મેચ કઈ તરફ વળશે. ક્યારેક એવું લાગતું હતું કે દિલ્હી જીત તરફ આગળ વધી રહ્યું છે, તો પછી થોડા સમય પછી ગુજરાતનો દબદબો દેખાવા લાગ્યો. ગુજરાતની બેટ્સમેન હરલીન દેઓલે 70 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. ડિઆન્ડ્રા ડોટિને પણ અંતમાં મહત્વની ઇનિંગ રમીને ટાર્ગેટને થોડું આસાન બનાવી દીધું હતું.
મેગ લેનિંગ સદી ચૂકી, દિલ્હી કેપિટલ્સે 177 રન બનાવ્યા
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. શેફાલી મેઘના સિંહના બોલ પર 40 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી, બીજા છેડે વિકેટો પડતી રહી પરંતુ મેગ લેનિંગે તેની વિસ્ફોટક ઇનિંગ ચાલુ રાખી.
લેનિંગે 57 બોલમાં 92 રન બનાવ્યા, આ ઇનિંગમાં તેણે 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. જોકે તે પોતાની સદી ચૂકી ગયો હતો. ગુજરાત જાયન્ટ્સ તરફથી મેઘના સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરના સ્પેલમાં 35 રન આપ્યા હતા. ડિઆન્ડ્રા ડોટિને 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 37 રન આપ્યા હતા.


