પ્રથમ હાફમાં એક તથા બીજા હાફમાં બીજો ગોલ કરીને ચેલ્સીએ યુઇએફએ કોન્ફરન્સ લીગ ક્વાર્ટર ફાઇનલના પ્રથમ તબક્કાના મુકાબલામાં કોપેનહેગાનને 2-1થી હરાવીને પોતાની આગેકૂચ જારી રાખી હતી.
પાનાથિનાઇકોસ અને ફિઓરેન્ટિનાની મેચમાં કુલ પાંચ ગોલ નોંધાયા હતા. ચેલ્સી માટે રિસ જેમ્સે 46મી તથા ઇન્ઝો ફર્નાન્ડેઝે 65મી મિનિટે ગોલ કર્યા હતા. કોપેનહેગાન માટે ગેબ્રિયલ પેરિરાએ 79મી મિનિટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. બંને ટીમ વચ્ચે હવે 14મી માર્ચે બીજા લેગનો મુકાબલો રમાશે.
પાનાથિનાઇકોસે ફિઓરેન્ટિના સામે 3-2ના સ્કોરથી વિજય મેળવ્યો હતો. પાનાથિનાઇકોસ માટે કારોલ સ્વિડરસ્કીએ પાંચમી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. ત્યારબાદ નેમાન્જાએ 19મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-0ની કર્યો હતો. ફિઓરેન્ટિના માટે લુકાસ બાઇટ્રાને 20મી મિનિટે ગોલ કરીને ટીમ માટે સ્કોર 2-1નો કર્યો હતો. 23મી મિનિટે નિકોલા ફોગિઓલીએ ગોલ કરતાં સ્કોર 2-2થી સરભર થયો હતો. ટેટેએ 55મી મિનિટે ગોલ કરીને પાનાથિનાઇકોસ માટે 3-2ના સ્કોરથી વિજય નિશ્ચીત કર્યો હતો.
લીગની અન્ય મેચમાં રિયલ બેટિસ અને વિટોરિયા એસસીની મેચ 2-2થી ડ્રો રહી હતી. પાફોસ જુર્ગાડેનને 1-0થી તથા જેગિલિઓનાએ સર્કલ બ્રૂગેને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલના પ્રથમ લેગનો મુકાબલો જીત્યો હતો. નોર્વેમાં રમાયેલી મેચમાં મોલ્ડે લેગિયા વાર્સો સામે 3-2થી વિજય મેળવ્યો હતો. મોલ્ડે માટે ઇરિક હેસ્ટાડે 11મી, ક્રિસ્ટિયન એરિક્સને 17મી તથા ફ્રેડિક ગુલબ્રાન્ડેસેને 43મી મિનિટે ગોલ કર્યો હતો. કાપરે 64 તથા લિક્યૂનહાસે 67મી મિનિટે ગોલ કરીને વાર્સો તરફથી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો.


