ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ક્રિકેટની દુનિયામાં હિટમેન તરીકે જાણીતા છે. આનું કારણ રોહિતની મોટી અને વિસ્ફોટક ઈનિંગ્સ રમવાની ક્ષમતા છે. આ ઈનિંગ્સમાં સૌથી ખાસ વાત રોહિતની સિક્સર મારવાની આદત છે.
ભારતીય કેપ્ટન પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. હવે રોહિતે પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં રોહિતે કેટલાક મોટા શોટ રમીને ક્રિસ ગેઈલનો વધુ એક રેકોર્ડ તોડ્યો.
રોહિતે ક્રિસ ગેઈલનો તોડ્યો રેકોર્ડ
રવિવારે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ તરફથી 252 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં, કેપ્ટન રોહિતે ટીમ ઈન્ડિયા માટે ઝડપી શરૂઆત કરી અને 2023ના વર્લ્ડકપની ફાઈનલની યાદ અપાવી, જ્યારે તેને ઓસ્ટ્રેલિયા સામે પણ ઝડપી ઈનિંગ્સ રમી હતી. આ વખતે પણ તેણે આવું જ આક્રમણ કર્યું અને પહેલી 8 ઓવરમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો.
આ ઝડપી શરૂઆત દરમિયાન, રોહિતે કિવી ફાસ્ટ બોલરો પર 3 શાનદાર છગ્ગા પણ ફટકાર્યા અને ત્રીજા છગ્ગા સાથે, રોહિતે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. ICC ODI ટુર્નામેન્ટના ઈતિહાસમાં લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિતનો આ 33મી સિક્સર હતી. આ રીતે, રોહિતે વેસ્ટ ઈન્ડીઝના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. પીછો કરતી વખતે ગેસે 32 છગ્ગા ફટકાર્યા. હવે આ રેકોર્ડ ભારતીય કેપ્ટનના નામે નોંધાઈ ગયો છે.
પહેલી વાર ફટકારી અડધી સદી
રોહિતે આ ફાઈનલ દરમિયાન પોતાની અડધી સદી પણ પૂર્ણ કરી. રોહિતે માત્ર 41 બોલમાં 50 રન ફટકાર્યા. આ ઈનિંગ રોહિત માટે પણ ખાસ હતી કારણ કે આ તેની ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં પહેલી અડધી સદી હતી. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 47 રન હતો, જ્યારે 6 ફાઈનલમાં તે ફક્ત 124 રન જ બનાવી શક્યો હતો. આ વખતે રોહિતે આ કમી પણ પૂરી કરી.
ભારતીય સ્પિનરોએ ન્યુઝીલેન્ડને રોક્યું
ફાઈનલની શરૂઆતમાં, ટીમ ઈન્ડિયાના સ્પિનરોએ ન્યુઝીલેન્ડની બેટિંગને કાબૂમાં રાખી અને તેમને મોટો સ્કોર કરતા અટકાવ્યા. વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ આર્થિક બોલિંગ કરી અને ન્યુઝીલેન્ડને ફક્ત 251 રનમાં જ રોકી દીધું. કુલદીપ અને વરુણે 2-2 વિકેટ લીધી. જ્યારે રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી. ચોથા સ્પિનર અક્ષર પટેલને કોઈ સફળતા મળી નહીં પરંતુ તેને 8 ઓવરમાં ફક્ત 29 રન આપીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં રાખી.


