ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આર્થિક રીતે કંગાળ થયું હોય તેમ લાગી રહ્યું છે. પીસીબીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્લેયર્સની મેચ ફીમાં તોતિંગ ઘટાડો કરતાં તેની નાણાંકીય સ્થિતિ કથળી હોય તેવા સંકેત મળી રહ્યા છે.
પીસીબીએ આગામી નેશનલ ટી20 ચેમ્પિયનશિપમાં પ્લેયર્સને પ્રત્યેક મેચ દીઠ એક લાખ રૂપિયાની જગ્યાએ હવે માત્ર 10 હજાર રૂપિયાની ફી આપવાનો નિર્ણય કર્યો છે. ટીમના રિઝર્વ ખેલાડીને માત્ર પાંચ હજાર રૂપિયા મળશે. આ ટૂર્નામેન્ટ 14મી માર્ચથી શરૂ થઇ રહી છે. પીસીબી ડોમેસ્ટિક ક્રિકેટના મુખ્ય અધિકારી અબ્દુલ્લાહ ખુર્રમ છેલ્લા કેટલાક મહિનાથી ડોમેસ્ટિક ખેલાડીઓની સગવડોમાં મોટો કાપ મૂકી રહ્યા છે. અગાઉ જે ખેલાડઓને ફાઇવ કે ફોર સ્ટાર હોટેલની સગવડો મળતી હતી તેમને હવે સસ્તા એકોમોડેશન અપાઇ રહ્યા છે. મેચ ફીની સાથે તેમની હવાઇ મુસાફરી પણ મર્યાદિત કરી દેવામાં આવી છે.
પીસીબીએ પ્લેયર્સ અને અમ્પાયર્સને ગયા વર્ષના કોઇ પેમેન્ટ કર્યા નથી. બોર્ડની પોલિસીમાં હોવા છતાં ભૂતપૂર્વ ક્રિકેટર્સને અપાતા પેન્શનની રકમમાં પણ કોઇ વધારો કરાયો નથી. એક તરફ ખેલાડીઓની મેચ ફીમાં કપાત મૂકવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાક અધિકારીઓ લાખો રૂપિયામાં પોતાની માસિક સેલેરી લઇ રહ્યા છે. પીસીબી તેના નેશનલ પસંદગીકારોને પણ માસિક જંગી પેમેન્ટ કરી રહ્યું છે. તાજેતરમાં રમાયેલા ચેમ્પિયન્સ કપ વખતે પાંચ ટીમો માટે પાંચ મેન્ટર્સની વરણી કરીને તેમને લાખો રૂપિયાની સેલેરી આપવામાં આવી છે. નોંધનીય છે કે મિસબાહ ઉલ હક, વકાર યુનુસ, શોએબ મલિક, સરફરાઝ એહમદ તથા સકલૈન મુશ્તાકને બે વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે અને પ્રત્યેકને પ્રતિ મહિને પાંચ લાખ પાકિસ્તાની રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ, લાહોરના નેશનલ સ્ટેડિયમ તથા રાવલપિંડી સ્ટેડિયમને અપગ્રેડ કરવા માટે 1.7 બિલિયન રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના પાકિસ્તાનમાં નહીં રમવાના કારણે પ્રતિ મેચ 35 કરોડ એટલે કે લગભગ કુલ 200 પ્લસ કરોડ રૂપિયાનું પીસીબીને જંગી નુકશાન થયું છે.


