બે વખતના ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્પેનના કાર્લોસ અલ્કારાઝે એટીપી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ત્રીજા ક્રમાંકિત અલ્કારાઝે ઝંઝાવાતી પવનની સમસ્યા વચ્ચે ગ્રિગોર ડિમિટ્રોવને કોઇ પણ મુશ્કેલી વિના 6-1, 6-1થી હરાવ્યો હતો. આ સાથે અલ્કારાઝે 50મો એટીપી માસ્ટર્સ વિજય હાંસલ કર્યો હતો.
અલ્કારાઝ સતત ત્રીજા વર્ષે ઇન્ડિયાના વેલ્સ ટૂર્નામેન્ટ જીતીને રોજર ફેડરર અને જોકોવિચની ઇલિટ ક્લબમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. ટૂર્નામેન્ટમાં સ્પેનિશ ખેલાડીએ હજુ સુધી એક પણ સેટ ગુમાવ્યો નથી. અલ્કારાઝનો આગામી મુકાબલો આર્જેન્ટિનાના ફ્રાન્સિસ્કો કેરુન્ડોલો સામે થશે જેણે ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરને 7-5, 6-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અન્ય એક મેચમાં 13મા ક્રમાંકિત જેક ડ્રેપરે ત્રીજા ક્રમાંકિત અમેરિકાના ટેલર ફિત્ઝને 7-5,6-4થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.


