ટીમ ઈન્ડિયાએ હાલમાં જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે ભારતીય ટીમ જૂનમાં મેદાનમાં ઉતરશે. તેને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે, જ્યાં 5 ટેસ્ટ મેચ રમાશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું રોહિત શર્મા આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે કે નહીં, જો તે રમશે તો કેપ્ટન્સી કરશે કે નહીં? આ તમામ પ્રશ્નો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રવાસ દરમિયાન એવા સમાચાર પણ આવ્યા હતા કે રોહિત ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. જોકે, વાતચીતમાં તેણે નિવૃત્તિના સમાચારને ફગાવી દીધા હતા. હવે તેની કેપ્ટન્સી પર પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ પર મોટું અપડેટ
ચેમ્પિયન ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માની કારકિર્દીમાં મોટો વળાંક આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, રોહિત શર્માને અન્ય મોટા પ્રવાસ પર ટીમની કેપ્ટનશિપ કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને તેની પસંદગી પેનલનું સમર્થન મળ્યું છે. આનો અર્થ એ થયો કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર રોહિત શર્માને કેપ્ટન તરીકે રહેવાની પૂરી સંભાવના છે. એવું માનવામાં આવે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાથી રોહિતની ટેસ્ટ કારકિર્દી લંબાઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કેપ્ટનશિપ પર સવાલો ઉઠ્યા હતા
ટીમ ઈન્ડિયાને 2024-25ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેના ખરાબ પ્રદર્શનને કારણે, રોહિતે શ્રેણીની છેલ્લી મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માએ આરામ લેતાની સાથે જ ચાહકોમાં એવી અફવાઓ ફેલાવા લાગી હતી કે તે આ શ્રેણીના અંત પછી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તે જ સમયે, કેટલાક દિગ્ગજોનું પણ માનવું હતું કે રોહિતે ટેસ્ટ ફોર્મેટ છોડી દેવું જોઈએ. પરંતુ રોહિતે પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપતા એક મોટું નિવેદન આપ્યું છે.
રોહિતે આ સિરીઝની 3 મેચમાં 3, 6, 10, 2 અને 9 રનની ઇનિંગ્સ રમી હતી.
સિડની ટેસ્ટના બીજા દિવસે વાત કરતી વખતે રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘અત્યારે રન નથી આવી રહ્યા, પરંતુ 5 મહિના પછી પણ નહીં આવે તેની ખાતરી નથી. હું સખત મહેનત કરીશ. પરંતુ આ નિર્ણય નિવૃત્તિનો નથી. બહાર લેપટોપ, પેન અને કાગળ લઈને બેઠેલા લોકો નક્કી નથી કરતા કે નિવૃત્તિ ક્યારે આવશે અને મારે શું નિર્ણય લેવાનો છે.
રોહિતે આ સિરીઝની 3 મેચમાં 3, 6, 10, 2 અને 9 રનની ઇનિંગ્સ રમી હતી. એટલે કે ભારતીય કેપ્ટને 5 ઇનિંગ્સમાં 6.20ની એવરેજથી કુલ 31 રન બનાવ્યા હતા. જે બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે BCCI ઈંગ્લેન્ડ શ્રેણીમાં નવા કેપ્ટન સાથે જઈ શકે છે. પરંતુ હાલમાં એવું થતું જણાતું નથી.


