પાકિસ્તાન દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ થયો છે. BCCI એ ટીમને ઈનામ તરીકે 58 કરોડ રૂપિયાની મોટી રકમ આપી છે. આ આખી રકમ બધા ખેલાડીઓમાં વહેંચવામાં આવશે. ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં મજબૂત ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું, જેમાં કેપ્ટન રોહિત શર્માએ મેચવિનિંગ 76 રન બનાવ્યા હતા.
BCCIએ જાહેર કર્યું નિવેદન
આ અંગે BCCI દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેપ્ટન રોહિત શર્માના સક્ષમ નેતૃત્વ હેઠળ, ભારતે ટુર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને એક પણ મેચ હાર્યું નહીં.’ ટીમે બાંગ્લાદેશ સામે છ વિકેટથી શાનદાર જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી અને ત્યારબાદ પાકિસ્તાન સામે છ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. તેમણે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવતા પહેલા ન્યુઝીલેન્ડ પર 44 રનથી જીત મેળવીને પોતાનો લય જાળવી રાખ્યો.
આ જીત ઘણા વર્ષોની મહેનતનું પરિણામ છે – BCCI સચિવ
બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે બીસીસીઆઈ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને આ સન્માન આપતા ગર્વ અનુભવે છે. વિશ્વ ક્રિકેટમાં તેમનું વર્ચસ્વ વર્ષોની મહેનત અને વ્યૂહરચનાનું પરિણામ છે. આ જીતથી ભારતનું વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ટોચનું રેન્કિંગ માન્ય થયું છે અને અમને વિશ્વાસ છે કે ટીમ આગામી વર્ષોમાં વધુ સારું પ્રદર્શન કરતી રહેશે. ખેલાડીઓ દ્વારા દર્શાવવામાં આવેલા સમર્પણ અને પ્રતિબદ્ધતાએ એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે અને અમને વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટ હંમેશા વૈશ્વિક સ્તરે તેના ધોરણોને ઉચ્ચ રાખશે.
ટીમની જીત બદલ શું મળ્યુ હતુ ઇનામ ?
તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવા બદલ, મેન ઇન બ્લુને લગભગ 20 કરોડ રૂપિયાની સત્તાવાર ઇનામી રકમ મળી હતી, જ્યારે રનર્સ-અપ ન્યુઝીલેન્ડને $1.12 મિલિયન (લગભગ 9.72 કરોડ રૂપિયા) મળ્યા હતા.


