બોક્સિંગની રમતને 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં સત્તાવાર રીતે સામેલ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિની (આઇઓસી) 144ની સિઝન દરમિયાન તમામ સભ્યોએ બોક્સિંગની તરફેણમાં વોટિંગ કર્યું હતું.
આઇઓસીના પ્રમુખ થોમસ બાકે લોસ એન્જલસ ગેમ્સમાં બોક્સિંગના સામેલ કરવા માટેની તરફેણ કરતા સભ્યોને હાથ ઉપર કરવાનું કહ્યું હતું ત્યારે તમામ સભ્યોએ વિધિવત રીતે સહમતી વ્યક્ત કરી હતી. તમામ સભ્યો વોટિંગ માટે હાજર રહ્યા હતા અને એક પણ સભ્યએ બોક્સિંગની વિરુદ્ધમાં વોટિંગ કર્યું નહોતું. આઇઓસીએ 2022ના ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠક દરમિયાન બોક્સિંગને 2028ની ઓલિમ્પિકના પ્રારંભિક પ્રોગ્રામમાં સામેલ કરી નહોતી. તે સમયે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશનમાં વિવાદો ચાલી રહ્યા હતા. ત્યારબાદ તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યું હતું. ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં આઇઓસીની વિશેષ ટાસ્ક ફોર્સની નજર હેઠળ બોક્સિંગ ઇવેન્ટ યોજવામાં આવી હતી.


