આઇસીસીની ક્રિકેટ સમિતિ એપ્રિલમાં યોજાનારી બોર્ડની બેઠક દરમિયાન નવી બોનસ પોઇન્ટ વ્યવસ્થા અંગે વિચારણા કરશે જેના કારણે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સાઇકલમાં હાયર રેન્ક ધરાવતી ટીમો સામે વિજય મેળવવા બદલ વધારાનો બોનસ પોઇન્ટ મળશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2025-27ની સાઇકલ જૂન મહિનામાં ભારત અને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી સાથે શરૂ થશે.
વર્તમાન નિયમ મુજબ નાના માર્જિન અથવા એક ઇનિંગના અંતરથી જીતનાર ટીમને 12 પોઇન્ટ, મેચ ટાઇ થાય તો છ પોઇન્ટ અને ડ્રો રહે તો ચાર પોઇન્ટ આપવામાં આવે છે. હવે આઇસીસી મોટા માર્જિનથી અથવા ઇનિંગથી વિજય મેળવનાર ટીમને બોનસ પોઇન્ટ આપે તેવી સંભાવના છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ડબ્લ્યૂટીસી શરૂ થઇ ત્યારથી ઇનિંગના વિજય વખતે બોનસ પોઇન્ટ આપવાના મુદ્દે સતત ચર્ચા થઇ રહી છે. ઘણી ટીમોનું માનવું છે કે હાયર રેન્કિંગ ધરાવતી ટીમોને હરાવવા છતાં તેમને કોઇ ફાયદો થઇ રહ્યો નથી.
ભારતના એક ભૂતપૂર્વ ખેલાડીએ જણાવ્યું હતું કે જો પોઇન્ટ સિસ્ટમમાં ફેરફાર થશે તો આ સારી બાબત છે. ટીમોને પરિણામ લાવવા માટેની પ્રેરણા મળશે અને આપણને રોમાંચક મેચ નિહાળવા મળી શકે છે. આઇસીસીનો આ નવી બોનસ પોલિસી કેટલીક ટીમો માટે પ્રેરણાદાયી બનશે.


