સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, SRH એ પ્રથમ બેટિંગ કરી અને 286 રન બનાવ્યા, જે IPL ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર પણ છે. જવાબમાં રાજસ્થાન તરફથી સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી, પરંતુ અંતે, રાજસ્થાન માટે 287 રનનો લક્ષ્યાંક ઘણો અઘરો સાબિત થયો.
રાજસ્થાન 44 રને હારી ગયું
રાજસ્થાન રોયલ્સને 287 રનનો લક્ષ્યાંક મળ્યો. જવાબમાં જ્યારે યશસ્વી જયસ્વાલ લક્ષ્યનો પીછો કરવા આવ્યો, ત્યારે તે ફક્ત 1 રન બનાવીને આઉટ થઈ ગયો. આ મેચમાં, RR ટીમનો કેપ્ટન રિયાન પરાગ પણ માત્ર 4 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. સંજુ સેમસન એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો, તેને 37 બોલમાં 66 રનની ઈનિંગ રમી. તેમના પછી, ધ્રુવ જુરેલ પણ આ મેચમાં ચમક્યો, તેના બેટથી 35 બોલમાં 70 રનની તોફાની ઈનિંગ આવી. તેને પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા.
ઈશાન કિશને ફટકારી શાનદાર સદી
પહેલા બેટિંગ કરવા આવેલા સનરાઈઝર્સ હૈદરાબાદને તેમના ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ દ્વારા શાનદાર શરૂઆત મળી. આ મેચમાં અભિષેક 11 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો. તેના આઉટ થયા પછી, ટ્રેવિસ હેડે આક્રમક બેટિંગ કરી અને 31 બોલમાં 67 રનની તોફાની ઈનિંગ રમી. હેડના આઉટ થયા પછી, એવું લાગતું હતું કે SRHનો રન રેટ ધીમો પડી જશે, પરંતુ ઈશાને શાનદાર બેટિંગ કરી અને માત્ર 45 બોલમાં સદી ફટકારી. આ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઈશાનની ડેબ્યૂ મેચ હતી, જ્યારે આ ઈશાનની તેની IPL કારકિર્દીની પહેલી સદી હતી.
ઈશાન 47 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 106 રન બનાવીને અણનમ પાછો ફર્યો. વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને 14 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ 15 બોલમાં 30 રન અને અનિકેત વર્માએ 7 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી સૌથી સફળ બોલર તુષાર દેશપાંડે હતો જેને 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય મહેશ તિક્ષણાએ બે વિકેટ અને સંદીપ શર્માએ એક વિકેટ લીધી. જ્યારે જોફ્રા આર્ચરે પોતાના 4 ઓવરના સ્પેલમાં 76 રન આપ્યા.
એક મેચમાં બનાવ્યા 528 રન
SRH એ પહેલા બેટિંગ કરતાં 286 રન બનાવ્યા, જ્યારે જવાબમાં રાજસ્થાને પણ 242 રન બનાવ્યા. આ રીતે આખી મેચમાં 528 રન બન્યા. એ પણ આશ્ચર્યજનક હકીકત છે કે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની આ મુકાબલામાં બંને ટીમોએ 51 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાન તરફથી સૌથી વધુ સ્કોર ધ્રુવ જુરેલે બનાવ્યો હતો જેને માત્ર 35 બોલમાં 70 રન ફટકાર્યા હતા.
રાજસ્થાન માટે છેલ્લી ઓવરોમાં, શુભમ દુબેએ પણ તોફાની ઈનિંગ્સ રમીને ધૂમ મચાવી દીધી, પરંતુ તે ટીમને જીત તરફ દોરી શક્યો નહીં. તેને માત્ર 11 બોલમાં 34 રન બનાવ્યા. તેની આ ટૂંકી ઈનિંગમાં તેને 1 ચોગ્ગો અને 4 છગ્ગો ફટકાર્યો.


