આ સમયે IPL 2025 વિશ્વ ક્રિકેટમાં ધૂમ મચાવી રહી છે. દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની નજર ભારતમાં યોજાનારી આ લીગ પર ટકેલી છે. ત્યારે પડોશી દેશ પાકિસ્તાન પણ તેની T20 લીગ PSL માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે, જે આ વખતે IPL સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
2020નું ટાઈટલ વિજેતા કરાચી કિંગ્સે 11 એપ્રિલથી શરૂ થનારી પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 10મી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. આ વખતે ટીમનું નેતૃત્વ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ઓપનર ડેવિડ વોર્નર કરશે. તેને શાન મસૂદનું સ્થાન લીધું, જે પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કેપ્ટન પણ છે.
શાન મસૂદની કેપ્ટનશીપમાં કરાચી કિંગ્સનું પ્રદર્શન રહ્યું નિરાશાજનક
છેલ્લા કેટલાક સિઝનમાં કરાચી કિંગ્સનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી અને ટીમ સતત લીગ સ્ટેજમાંથી બહાર થઈ રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને, ફ્રેન્ચાઈઝીએ PSL 2024 પહેલા શાન મસૂદને કેપ્ટનશીપ સોંપી, પરંતુ તે પણ ટીમનું નસીબ બદલી શક્યો નહીં.
કરાચી કિંગ્સ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી, તેને પોતાની 10 મેચમાંથી માત્ર 4 મેચ જીતી, જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ સિવાય શાન મસૂદનું બેટ સાથે પ્રદર્શન પણ ખૂબ જ સામાન્ય હતું. તેને 10 ઈનિંગ્સમાં ફક્ત 158 રન બનાવ્યા, જેનાથી ટીમની બેટિંગ નબળી સાબિત થઈ.
પહેલીવાર PSLમાં રમતા જોવા મળશે ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નરે ઘણા વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રભુત્વ મેળવ્યું અને IPLમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ 2024ના T20 વર્લ્ડકપ પછી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી, દિલ્હી કેપિટલ્સે તેને IPL 2025 મેગા ઓક્શન પહેલા રિલીઝ કર્યો.
આશ્ચર્યજનક વાત એ હતી કે મેગા ઓક્શનમાં પણ કોઈ ફ્રેન્ચાઇઝીએ તેના પર બોલી લગાવી ન હતી, જેના કારણે વોર્નર IPL 2025 માં કોઈપણ ટીમનો ભાગ બની શક્યો ન હતો. આ પરિસ્થિતિમાં, તેને પાકિસ્તાન સુપર લીગ (PSL) ના ડ્રાફ્ટમાં પોતાનું નામ આપ્યું, જ્યાં કરાચી કિંગ્સે તેના પર વિશ્વાસ દર્શાવ્યો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. હવે વોર્નર પહેલીવાર PSLમાં રમશે અને કરાચી કિંગ્સનું નેતૃત્વ કરશે.


