ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશભાઈ સુતરીયાએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025માં ક્લાસ વન કેટેગરીમાં સિલ્વર મેડલ, મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મેન્સ ડબલ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ તેમજ તેમના પત્ની સંગીતાબેન સુતરીયાએ સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવતા દંપતીએ કુલ 5 મેડલ મેળવીને ભાવનગરનું નામ રોશન કર્યું છે.
પાંચ મેડલ પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રોશન કર્યુ
ભાવનગરના અલ્પેશ સુતરીયા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે, તેઓ ઈન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ સિલ્વર મેડાલીસ્ટ છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તેમજ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનના સહયોગથી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, વડોદરા ખાતે 17 માર્ચથી 23 માર્ચ સુધી યોજાઈ હતી. જેમાં અલ્પેશ સુતરીયાએ ક્લાસ વન કેટેગરીમાં સિલ્વર મેડલ, મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મેન્સ ડબલ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ તેમજ સંગીતાબેન સુતરીયાએ સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવી, ભાવનગર જિલ્લાના પેરા ટેબલ ટેનિસ પ્લેયર તરીકે બંને પતિ પત્નીએ કુલ પાંચ મેડલ પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રોશન કર્યુ છે.
સંગીતા સુતરિયાએ સેમિફાઈનલમાં 0-3 પોઈન્ટ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો
પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 ટુર્નામેન્ટમાં 350 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું, જેમાં અલ્પેશભાઈ સુતરીયાએ ફાઈનલમાં તમિલનાડુના જે. ડી. મદાનને ડિસાઈડરમાં 8-11થી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું અને સંગીતા સુતરિયાએ ભાવીના પટેલ સામે સેમિફાઈનલમાં 0-3 પોઈન્ટ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ પોસ્ટલ પરીવાર તેમજ શ્રી અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર અને પરફેક્ટ ફાઉન્ડેશન દ્વારા તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને આગામી દિવસોમાં 25 માર્ચ 2025થી તેઓ બંને ખેલો ઈન્ડિયા પેરા ગેમ 2025માં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યા છે અને ત્યાં પણ તેઓ મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે તેવી દંપત્તિએ આશા વ્યકત કરી છે.


