અમેરિકાની ટ્રમ્પ સરકારના અધિકારીઓએ એવા સંકેતો આપ્યા છે કે પ્રમુખ ટ્રમ્પ દ્વારા બીજી એપ્રિલથી નક્કી કરવામાં આવ્યા મુજબ કેટલાક દેશો સામે કેટલીક ચીજો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે પણ સેક્ટર સ્પેસિફિક કેટલીક ટેરિફને તેનાં દાયરામાંથી બહાર રાખવામાં આવશે.
આમ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ ઓટો, સેમિકન્ડક્ટર અને ફાર્મા સેક્ટર પર ટેરિફ લાદવામાં આવશે નહીં. ટ્રમ્પે અગાઉ એવું જણાવ્યું હતું કે 2 એપ્રિલથી તેઓ ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ લાદશે જ્યારે સેમિકન્ડક્ટર અને ફાર્માસ્યૂટિકલ ચીજોની આયાત પર પણ ટેરિફ લગાવવામાં આવશે. જો કે ટ્રમ્પની આ જાહેરાત પછી અમેરિકાનાં 3 મોટા ઓટોમેકર્સ દ્વારા ટેરિફમાં રાહત અને છૂટ આપવા માગણી કરાઈ હતી અને દબાણ કરવામાં આવ્યું હતું. આ પછી સરકાર દ્વારા ઓટો પર ટેરિફ લાદવામાં વિલંબ કરવા સંમતિ સધાઈ હતી. હવે 2 એપ્રિલથી સેક્ટર સ્પેસિફિક સ્પેશિયલ ટેરિફ લાગુ કરવાના સંભાવના નથી. વ્હાઈટ હાઉસ હજી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાના મામલે અવઢવમાં છે.


