બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવીને સીઝનની પોતાની પહેલી જીત નોંધાવી. જ્યારે રાજસ્થાન સતત બીજી મેચ હારી ગયું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ ફક્ત 151 રન જ બનાવી શક્યું. KKR બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. લક્ષ્યનો પીછો કરતા, ક્વિન્ટન ડી કોકે 97 રનની અણનમ ઈનિંગ રમી. KKR એ 15 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું.
152 રનનો પીછો કરતાં મોઈન અલીએ ક્વિન્ટન ડી કોક સાથે ઈનિંગ્સની શરૂઆત કરી. અલી આજે KKR માટે પોતાની પહેલી મેચ રમી રહ્યો હતો, તે ફક્ત 5 રન બનાવીને રન આઉટ થયો. કેપ્ટન અજિંક્ય રહાણે પણ 18 બોલમાં 18 રન બનાવીને વાનિન્દુ હસરંગાનો શિકાર બન્યો. પરંતુ બીજી બાજુ, ડી કોકે સારા શોટ રમ્યા અને ટીમ પર દબાણ ન આવવા દીધું. રહાણે આઉટ થયો ત્યારે KKRનો સ્કોર 10.1 ઓવરમાં 70 રન હતો.
ક્વિન્ટન ડી કોકની ધમાકેદાર ઈનિંગ
રહાણે આઉટ થયા પછી, અંગક્રિશ રઘુવંશી ઈમ્પેક્ટ પ્લેયર બન્યા અને ડી કોકને સપોર્ટ આપ્યો અને અંત સુધી રહ્યો. બંનેએ સમજદારીપૂર્વક ઈનિંગ્સને આગળ ધપાવી અને ટીમને વિજય તરફ દોરી. ક્વિન્ટન ડી કોકે 18મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. પરંતુ તે પોતાની સદીથી 3 રન દૂર રહ્યો. તેને 61 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. આ ઈનિંગમાં તેને 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. રાજસ્થાન રોયલ્સનો કોઈ બોલર ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં, રિયાન પરાગ પોતે પાવરપ્લેમાં બોલિંગ કરવા આવ્યો. ટીમના કુલ 7 ખેલાડીઓએ બોલિંગ કરી પરંતુ હસરંગાને ફક્ત 1 વિકેટ મળી.
રાજસ્થાનની ખરાબ શરૂઆત
પ્રથમ બેટિંગ કરતા, યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનએ રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની શરૂઆત કરી. બંનેએ સ્થિર શરૂઆત કરી. ચોથી ઓવરના પાંચમા બોલ પર, વૈભવ અરોરાએ સંજુને બોલ્ડ આઉટ કરીને મેચની પહેલી વિકેટ લીધી. સંજુએ જયસ્વાલ સાથે પ્રથમ વિકેટ માટે 33 રન ઉમેર્યા. આ પછી, રિયાન પરાગે પણ ઝડપી શરૂઆત કરી, પરંતુ તે પોતાની ઇનિંગ્સ મોટી કરી શક્યો નહીં. વરુણ ચક્રવર્તીએ તેને કેચ આઉટ કરાવ્યો. પરાગે 15 બોલમાં 3 છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા. આ પછી, મોઈન અલીએ KKR માટે યશસ્વી જયસ્વાલના રૂપમાં પોતાની ડેબ્યૂ વિકેટ લીધી, જે 24 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. ટીમના મોટા નામો ખાસ અસર કરવામાં નિષ્ફળ રહ્યા, સંજુ સેમસન (13), રિયાન પરાગ (25) અને યશસ્વી જયસ્વાલ (29) ક્રીઝ પર સ્થિર થયા પછી પણ તેમની ઇનિંગ્સને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા. KKRના સ્પિનરોએ સમગ્ર મેચ દરમિયાન રાજસ્થાનના બેટ્સમેનોને મોટા શોટ રમવાથી રોક્યા.
KKR પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું
રાજસ્થાન રોયલ્સ સામેની જીત બાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. તેના 2 મેચમાં 2 પોઈન્ટ છે અને ટીમનો નેટ રન રેટ -0.308 છે.


